૩૦૦ સાધકો બેસી શકે તેવો વિશાળ હોલ, ૩૦૦ કુટીરો, બે ડાઈનીંગ હોલ સહિતની સુવિધા: નિ:શુલ્ક વિપશ્યનામાં ૧૦ દિવસ રહેવા-જમવાની વ્યવસ્થા તદ્ન ફ્રી: સેવાભાવિઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
પ્રવર્તમાન સમયમાં જયારે માનવી ચિંતારૂ વ્યસનો અને રોગોથી ઘેરાઈ ચૂકયો છે ત્યારે તન અને મનને સ્વસ્થ કરતી ૨૫૦૦ વર્ષ જૂની વિપશ્યના ધ્યાન સાધના દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ૧૭૦થી વધુ કેન્દ્રો દ્વારા ફેલાઈ ચૂકી છે ત્યારે રાજકોટને આંગણે રંગપર નજીક ૨૧ એકરની વિશાળ જગ્યામાં ગુજરાતનું સૌથી મોટુ વિપશ્યના ધ્યાન કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. હાલ ધમ્મકોટ ખાતે જે સાધના કેન્દ્ર છે તે નાનુ પડવા લાગતા આ નવુ સાધના કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. આગામી તા.૧૯ મેના રોજ નવા કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ખાતે વિપશ્યના ધ્યાન સાધનાનો પ્રારંભ ૧૯૮૯થી થયો હતો. આ સાધનાને પ્રચલિત બનાવવા માટે જીવન સમર્પિત કરી દેનાર ગોયેન્કાજીના આશીર્વાદથી ધમ્મકોટ (કણકોટ) ખાતે વિપશ્યના કેન્દ્ર શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૫૦૦ શિબિરો યોજાઈ ચૂકી છે અને તેમાં ૫૩૦૦૦થી વધુ પુરુષો અને ૨૨૦૦૦થી વધુ મહિલાઓએ તેનો લાભ લીધો છે. ૧૧ દિવસ ચાલતી શિબિર વૈજ્ઞાનિક અભિગમ સાથે યોજાય છે.
વિપશ્યનાથી મનની અંદર ભરાયેલા દુષિત વિચારોને દૂર કરી મનને સાફ કરી નાખે છે. મન સાફ થયા બાદ અંદરની હેપ્પીનેસ તમને પ્રફુલ્લિત રાખે છે. વિપશ્યના શિબિર નિ:શુલ્ક થાય છે. ૧૦ દિવસ સુધી રહેવા-જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આપવામાં આવે છે.
તમે સ્વૈચ્છાએ કોઈ અનુદાન આપવું હોય તો આપી શકો છો. ૧૦ દિવસની શિબિરનો દરેક દિવસનું ધ્યાન વૈજ્ઞાનિક રીતે નકકી થયેલું હોય છે. દશમાં દિવસે મૈત્રીની સાધના કરવાની હોય છે. આ મંગલ મૈત્રીની આજે દેશ-દુનિયા સૌને જરૂરીયાત છે. વિપશ્યના એ કોઈ ધર્મના પ્રચારનું માધ્યમ નથી. કોઈ સંપ્રદાયને વરેલ નથી તે દરેક સંપ્રદાયનું સન્માન કરતી અને પ્રત્યેક સંપ્રદાયમાં સમાવાયેલી એક જીવન પધ્ધતિ છે.
નવા આકાર લઈ રહેલા રાજકોટ પાસેના રંગપર ખાતેના કેન્દ્રની વિગતો જોઈએ તો રાજકોટ, જામનગર રોડ ઉપર રંગપર ૨૦ કિ.મી.દૂર આવેલું છે ત્યાં ૨૧ એકર જમીન વિપશ્યના કેન્દ્ર માટે ઉપલબ્ધ કરાવાઈ છે અને તેમાં ૩૦૦ લોકો એકી સાથે લાભ લઈ શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ધ્યાન માટે આધુનિક ધ્યાન હોલ, જમવા માટે બે વિશાળ ડાઈનીંગ રૂમ, ૩૦૦ સાધકો માટે સુવિધાપૂર્ણ કુટીરો તેમજ દરેક સાધક માટે અલગ અલગ રહી શકાય તેવા ૩૦૦ શુન્યાગાર નવા બનાવાશે.
રાજકોટ ઉપરાંત ગુજરાતમાં બાડા (કચ્છ), પાલીતાણા, રનોડા (અમદાવાદ), મહેસાણા, સુરત, નવસારી ખાતે કેન્દ્રો આવેલા છે. જૂનાગઢ ખાતે પણ ગરવા ગિરનારની ગોદમાં કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યું છે. રંગપર ખાતે ભૂમિપૂજન અને ત્યારબાદ આકાર લેનાર કેન્દ્ર માટે સહાય‚પ બનવા માટે સાધકોને અનુરોધ કરાયો છે.
નવા વિપશ્યના કેન્દ્રનો વધુમાં વધુ સાધકો લાભ લ્યે તે માટે ‘અબતક’ સાથેની વાતચીતમાં રાજુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વિપશ્યના શિબિરથી ઘણા ફાયદાઓ થાય છે. આ શિબિરથી વ્યક્તિ પોતાના જીવનને બદલાવીને જાય છે. કર્મોનું ફળ, મૃત્યુ, બુઢાપો, પ્રિય વ્યક્તિનો વિયોગ, અપ્રિયનો સંયોગ વગેરે પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકે છે અને અંતર મનની શાંતિ પ્રાપ્ત કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, સમાજને એક સારી વસ્તુ આપવા પોતે વર્ષો પહેલા ધમ્મકોટ ખાતે વિપશ્યના કેન્દ્ર ખોલેલું જે હવે નાનુ પડતા તેમજ આજુબાજુ ઈન્ડસ્ટ્રીઝ આવી જતા હવે રંગપર નવુ કેન્દ્ર આકાર લેશે અંતે સર્વે લોકોને આ શિબિરનો લ્હાવો લેવા અનુરોધ કર્યો છે.