- ધંધો જેના લોહીમાં છે એવા ગરવા ગુજરાતીઓના ઉદ્યોગોએ વિશ્ર્વભરમાં આકર્ષણ જમાવ્યું
- એક સમયે આખા વિશ્ર્વના માર્કેટ ઉપર રાજ કરતા ચીનના હવે ખરાબ દિવસો શરૂ: કૃષિ, ગારમેન્ટસથી લઈને કેમિકલ સુધીની પ્રોડક્ટના ખરીદદારો હવે ચીનને બદલે ગુજરાત સાથે કરી રહ્યા છે વેપાર
ધંધો જેના લોહીમાં છે તેવા ગુજરાતીઓના ઉદ્યોગોએ વિશ્વભરમાં અત્યારે આકર્ષણ જમાવ્યું છે. કૃષિ, ગાર્મેન્ટ્સથી લઈને કેમિકલ સુધીની પ્રોડક્ટના ખરીદદારો હવે ચીનને બદલે ગુજરાત સાથે કરી વેપાર કરી રહ્યા છે.આમ ગુજરાતના ઉદ્યોગોએ ચીનને હંફાવી દીધું છે. જેને કારણે વિશ્વના માર્કેટ ઉપર રાજ કરતા ચીનના હવે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે.
ચીનના કેટલાક ભાગો ગંભીર દુષ્કાળ અને હીટવેવથી ઝઝૂમી રહ્યા હોવાથી, નવ પ્રાંતોમાં લગભગ 2 મિલિયન હેક્ટર ખેતીની જમીન સુકાઈ ગઈ છે. જેના કારણે ડુંગળી, મગફળી, બટાકા અને લીલા શાકભાજીના પાકને અસર થઈ છે. ચીનનું નુકસાન એ ગુજરાતનો ફાયદો છે. ચીન જ્યાં જ્યાં કૃષિ પેદાશો નિકાસ કરતું હતું. તે દેશોની નજર ગુજરાત ઉપર પડી છે. ગુજરાતે પણ આ તકને ચુક્યા વગર આવા દેશોમાં કૃષિ પેદાશો ભરપૂર મોકલવાનું શરૂ કર્યું છે. જો કે ગુજરાતના ઉદ્યોગોની આ નિકાસ ન માત્ર તે નિકાસ કરનારને સધ્ધર બનાવે છે. પણ આખા દેશને સધ્ધર બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. નિકાસના આંકડામાં વધારો થાય એટલે નિકાસ આયતથી વધુ રહે. જેના કારણે વેપાર ખાદ્યમાં ઘટાડો થાય. આના લીધે અર્થતંત્રને વેગ મળે. આમ હવે નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી ગુજરાતીઓ અર્થતંત્રને વેગ આપવામાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે.
સિંગતેલની નિકાસ 2.25 લાખ મેટ્રીક ટનને વટી ગઈ
2020-21માં, ચીનમાં પૂરની સ્થિતિને કારણે ગુજરાતમાંથી મગફળીના તેલની નિકાસ 2. 25 લાખ મેટ્રિક ટનને વટાવી ગઈ છે, તેમ ગુજરાત સ્ટેટ ખાદ્ય તેલ અને તેલીબિયાં એસોસિએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું: આ વર્ષે, અમે વધુ વ્યવસાયની અપેક્ષા રાખીએ છીએ. ઑક્ટોબર-નવેમ્બરની સિઝન પહેલા, પૂછપરછ શરૂ થઈ ગઈ છે. અમે મગફળીની સારી માંગની અપેક્ષા રાખીએ છીએ અને નિકાસ 6 લાખ ટનના આંકડાને વટાવી જવાની આશા રાખીએ છીએ.યુરોપિયન, આફ્રિકન, ગલ્ફ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી બંને ઉત્પાદનોની માંગમાં વધારો થવાની અપેક્ષા છે.
સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની પણ બમ્પર નિકાસ
બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા અપનાવવામાં આવેલી ચાઇના+1 વ્યૂહરચના દ્વારા સમર્થિત, કોવિડ ફાટી નીકળ્યા પછી ગુજરાત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ નિકાસ પૂછપરછમાં વધારો નોંધી રહી છે. રાજ્ય ઘણા રસાયણો ઉત્પાદન એકમોનું ઘર છે અને બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થા આગામી વર્ષોમાં ભારતીય રસાયણ ક્ષેત્રને લાભ આપશે.
સીઆઇઆઈ ગુજરાતના ભૂતકાળના ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં અમારા વૈશ્વિક ગ્રાહકો માટે ઘણી પ્રોડક્ટ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. ઉર્જાના ઊંચા ભાવને કારણે યુરોપિયન દેશો દબાણ હેઠળ છે. અગ્રવાલે ઉમેર્યું તેથી, અન્ય વૈશ્વિક વ્યાપારીઓ ‘યુરોપ+1’ અભિગમ તરફ વળ્યા છે. અહીં સ્થાનિક ક્ષમતાઓ વધવાથી ઉત્પાદકોને નવા ઓર્ડર મળી રહ્યા છે. વૈશ્વિક કંપનીઓના સપ્લાય ચેઇન મેનેજરો તેમની પ્રાપ્તિ અને ભારતમાં વિવિધતા લાવવા માટે કામ કરી રહ્યા છે.તેમનો પ્રથમ વિકલ્પ ભારત છે. વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો છે તેથી ભારત લાભમાં છે કારણ કે વધુ યુરોપિયન કંપનીઓએ ભારતમાંથી સોર્સિંગ શરૂ કર્યું છે, એમ એક અગ્રણી ઉત્પાદકે જણાવ્યું હતું.
ડીહાઇડ્રેટેડ ડુંગળીની નિકાસમાં 15થી 20 ટકાનો વધારો
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર 2021-22માં ગુજરાતમાંથી ડીહાઇડ્રેટેડ ડુંગળીની નિકાસ 84,782 મેટ્રિક ટન હતી. જે 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ 25,540 મેટ્રિક ની નિકાસ નોંધાઈ હતી. ઓલ ઈન્ડિયા વેજીટેબલ ડીહાઈડ્રેશન એસોસિએશનના પ્રમુખ મનોજ રામે જણાવ્યું હતું કે યુરોપની માંગને કારણે ડીહાઇડ્રેટેડ ડુંગળીની નિકાસ 15-20% વધી છે. આની સાથે લસણની માંગ પણ વધી રહી છે.
રેડીમેઈડ ગારમેન્ટસની નિકાસમાં 17%નો વધારો
યુરોપ અને યુએસની ચાવીરૂપ ટેક્સટાઇલ અને એપેરલ બ્રાન્ડ્સ રેડીમેડ ગારમેન્ટ્સના સોર્સિંગમાં ચીનથી દૂર જતાં ભારતીય ઉત્પાદકોને ફાયદો થઈ રહ્યો છે. ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના ડેટા અનુસાર, 2021ના સમાન સમયગાળાની સરખામણીમાં એપ્રિલથી ઓગસ્ટ 2022 સુધીમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં 17%નો વધારો થયો છે.ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે: શીનજિયાંગ પ્રાંતમાંથી ખરીદી બંધ કરવી હોય કે વૈકલ્પિક સોર્સિંગ પાર્ટનર શોધવાનું હોય, વૈશ્વિક બ્રાન્ડ્સ ચીનમાંથી બહાર જવાનું વિચારી રહી છે. તેમણે ઉમેર્યું ભારતીય, ખાસ કરીને ગુજરાત સ્થિત, રેડીમેડના ઉત્પાદકોને ફાયદો થઈ રહ્યો છે. “તેમણે કહ્યું કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં વધારો એ ભારતમાં રસ પુન:જીવિત કરવાનું સૂચન કરે છે.મહેતાએ વધુમાં કહ્યું કે ભારતમાં મજૂરી ખર્ચમાં વધારો અને કપાસના આસમાન ભાવો ભારતીય ઉત્પાદકો માટે માંગમાં વૃદ્ધિનો લાભ ઉઠાવવામાં મુખ્ય અવરોધો સાબિત થઈ રહ્યા છે. એકવાર નવો કપાસનો પાક આવે અને ભાવનું દબાણ ઓછું થઈ જાય પછી પરિસ્થિતિ ઘણી હદ સુધી હળવી થઈ જશે.
ફાર્મા કંપનીઓ ગુજરાતમાં ચીન જેવી જ એપીઆઈ ચેઇન બનાવવા પ્રયત્નશીલ
ચીન પર તેની આયાત નિર્ભરતા ઘટાડવા માટે, ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સ્થાનિક રીતે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો ( એપીઆઈ) ના ઉત્પાદનમાં રોકાણ પર આતુરતાથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો એટલે ફિનિસડ પ્રોડક્ટ પહેલાનું રો-મટિરિયલનું સ્વરૂપ. જેમાં માત્ર થોડી પ્રોસેસ બાદ ફિનિસડ પ્રોડક્ટ તૈયાર થઈ શકતી હોય. ગુજરાતમાં ઓછામાં ઓછા 5,000 ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમો છે.
સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો બનાવવા માટે ક્ષમતા અને ટેકનોલોજી ઉમેરવાથી ગુજરાતના ફાર્મા ઉદ્યોગને એક મુખ્ય વૈશ્વિક સપ્લાયર તેમજ આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. આત્મનિર્ભરતા ગુજરાત ફાર્મા ક્ષેત્રને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોનું વૈશ્વિક સપ્લાયર બનાવશે, જે હાલમાં ચીન પાસે છે. આઇડીએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ, વિરાંચી શાહે જણાવ્યું હતું કે જમીન અને મશીનરીની ખરીદી સાથે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો માં નોંધપાત્ર રોકાણ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ અને યુરોપિયન યુનિયનમાં ઘણી ફાર્મા રિટેલ કંપનીઓ સપ્લાય ચેનને ચીનથી દૂર ખસેડવાના પ્રયાસો કરી રહી છે અને ભારત પસંદગીનું સોર્સિંગ માર્કેટ છે. “આગામી દોઢથી બે વર્ષમાં, આયાતની સંખ્યામાં ઘટાડો અને નિકાસમાં વધારો જોવા મળશે.