ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ પણ ભાજપે ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી: પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતાનો ઝુકાવ કમળ તરફ

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી, મંદી, મહામારી સહિતના મુદ્દાઓ બેઅસર: કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ: ‘આપ’નું આગમન પણ ગુજરાતના રાજકારણમાં નવા અધ્યાય સમાન

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આડે હવે એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત તોતીંગ બહુમતિ સાથે સત્તારૂઢ થવાના આશ્રય સાથે સત્તાધારી પક્ષ ભાજપે તાજેતરમાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનનો શંખ ફૂક્યો હતો. મુખ્યમંત્રી અને મંત્રી મંડળના તમામ સભ્યો તરીકે નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. સત્તાના સેમી ફાઈનલ સમા જંગમાં ભાજપનો વિજય થયો છે. હવે સી.આર.પાટીલ અને નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નજર વિધાનસભા 2022 પર ઠરી છે. કોંગ્રેસ માટે ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવું હવે પાયાનો પ્રશ્ર્ન બની ગયો છે. બીજી તરફ આપનું આગમન પણ ગુજરાતમાં નવા રાજકીય અધ્યાયનો આરંભ થયાનું સુચવી રહ્યું છે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ ભાજપ જનતાનો વિશ્ર્વાસ ટકાવી રાખવામાં સફળ રહેશે કે કેમ ? તે અંગે ઉભા થઈ રહેલા તમામ સવાલો પર મતદારોએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 10 વર્ષથી કોઈપણ રાજકીય પક્ષ સ્પષ્ટ બહુમતિ સાથે સત્તારૂઢ થયો ન હતો. ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. 44 માંથી 41 બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠકો આવી છે તો આપ 1 બેઠક સાથે ખાતુ ખોલાવ્યું છે.

સત્તાના સેમી ફાઈનલ સમા જંગમાં ભાજપ 100 ટકા માર્કસ સાથે ઉર્તીણ થયું છે. હવે આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એ વાત નક્કી થઈ જશે કે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપ તરફી માહોલ છે કે, નારાજગી જોવા મળી રહી છે. જે રીતે ગાંધીનગર મહાપાલિકા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે તે પક્ષ માટે ઘણુ સુચક છે.

અલગ અલગ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર પણ કોંગ્રેસ અમુક બેઠકો પર જીત હાસલ કરવામાં સફળ ચોક્કસ રહ્યું છે પરંતુ પરીણામો પક્ષ માટે આશ્વાસનરૂપ રહ્યાં નથી. જે રીતે એક બાદ એક કોંગ્રેસને ચૂંટણીમાં કારમો પરાજય મળી રહ્યો છે તે જોતા હવે પક્ષે ચિંતન નહીં પરંતુ ચિંતા કરવાની જરૂરીયાત છે. ગાંધીનગરમાં તો કોંગ્રેસ માન્ય વિરોધ પક્ષ પણ ન રહે તે રીતે જનતાએ જાકારો આપ્યો છે. માત્ર બે બેઠકોમાં જ પક્ષ સમેટાઈ ગયો છે.

સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર જીત હાસલ કરવાના બુલંદ ઈરાદા સાથે સંગઠનને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. હવે પક્ષ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે. ગુજરાતમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ આમ આદમી પાર્ટી પગ પેસારો કરી રહી છે. જે રીતે આપને મતો મળી રહ્યાં છે તે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ચિંતાજનક છે. કારણ કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મતો ભાજપ અને કોંગ્રેસ માટે કેટલીક બેઠકો પર હાર-જીત નક્કી કરી છે.

વિધાનસભાની ચૂંટણીમાં જીત તો દૂર રહી પરંતુ જો ભાજપને ટક્કર આપવી હશે તો પણ કોંગ્રેસે અત્યારથી જ મહેનત શરૂ કરી દેવી પડશે. દર વખતે ચૂંટણીમાં કારમી હાર બાદ પરિણામોની સમીક્ષા કરી સુધારવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવા કોંગ્રેસના નેતાઓના નિવેદનથી હવે ચાલે તેમ નથી. પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવા હવે ખરા અર્થમાં કાળી મજૂરી કરવાની જરૂરીયાત છે. બીજી તરફ જો આમ આદમી પાર્ટી પણ થોડી-ઘણી મહેનત કરે તો તેને ધાર્યા પરિણામ મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.