ભારતની વિમાન કંપનીઓના ૧૦૦૦ વિમાનો ‘લીઝીંગ કંપની’ઓને ભાડે આપવાનો તખ્તો તૈયાર

‘મેરા દેશ બદલ રહા હૈ’ સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તૃત બનાવવાની કવાયત વચ્ચે સરકાર દ્વારા વિશ્ર્વભરની ભાડે વિમાન આપતી કંપનીઓને વિમાનો પુરા પાડવાની તૈયારીઓ કરી લીધી છે. આવનાર દિવસોમાં દુનિયાભરમાં ભાડે વિમાનનો ધંધો કરતી કંપનીઓ માટે ભારતના વિમાનો ઉડાન ભરતા દેખાશે.

અમદાવાદના ગીફટ સિટીમાં આ અંગેની તૈયારીઓ ચાલી રહી છે. ગીફટ સિટીના પ્રવકતાએ સત્તાવાર રીતે ભાડે વિમાનના વ્યવસાયમાં ગુજરાતનો દબદબો ઉભો થવાની હકીકત અંગે જણાવ્યું હતું કે, અમદાવાદના ગીફટ સિટીમાં ચારથી વધુ કંપનીઓ વિમાનો ભાડે આપતી કંપનીઓ સાથે કરારબદ્ધ થવાની તૈયારી કરી રહ્યું છે અને હેલીકોપ્ટર ભાડે આપવાના વ્યવસાયમાં પણ હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યું છે. વિમાનો લીઝ ઉપર આપતી એક્યુમેન્ટ એવીએશન કંપનીએ આ અંગેની પ્રક્રિયા અને નોંધણી ગીફટ સિટીમાં કરાવી દીધી છે અને આર્યલેન્ડની આ કંપની વિમાનો ભાડે લઈને વ્યવસાય કરશે. સરકાર દ્વારા બજેટમાં નાગરિક ઉડ્ડયન વિભાગને વિકાસની ઉડાન ભરાવવા માટે લેવામાં આવેલા પગલા અને ખાસ પ્રકારની સહાયને લઈને હેલીકોપ્ટર અને એરક્રાફટ ભાડે આપતી કંપનીઓ માટે બિઝનેશના નવા દ્વાર ખુલ્યા છે. ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ સર્વિસ સેન્ટર ઓથોરીટીના વિકાસ મહાનિર્દેશક દિપેશ શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બજેટમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે સહાયની જોગવાઈને પગલે વિમાનો ભાડે આપવાનો ધંધો ભારતમાં ખુબજ વિકાસ પામશે. ભારતમાં વિકાસ થનારા વિમાનો ભાડે આપવાના વ્યવસાયનું વૈશ્ર્વિક ફલક પર દબદબો ઉભો થશે. ભારતીય વિમાની કંપનીઓને ૧૦૦૦ વિમાનોના ઓર્ડરો મળ્યા છે અને ભાડે વિમાનો આપતી કંપનીઓએ ૧૦૦૦ વિમાનોની માંગ કરી છે.ગુજરાતના ગીફટ સિટીમાં ૫ જેટલા વિમાન લીઝીંગ કંપનીઓએ જમીન અને કારભાર માટે મંજૂરી માંગી છે. આવનાર દિવસોમાં વિશ્ર્વભરને ભાડે પ્લેનની ગુજરાતની ગીફટ દેશના નાગરિક ઉડ્ડયન વિભાગને વિકાસની નવી પાંખો આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.