એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું પીએમ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ: હવેથી ૨.૩ કિલોમીટરનું અંતર માત્ર ૮ મિનિટમાં કપાશે: મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
રોપવેનું ભાડુ રૂ.૭૦૦: વાર્ષિક રૂ. ૪૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક
એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા ૨.૩ કિલોમીટરનુ અંતર માત્ર ૮ મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા ૧૩૦ કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા સૌરાષ્ટ્રવાસીઓને છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આસ્થાના કેન્દ્રો ટૂરિસ્ટ ડેસ્ટીનેશન બને, ત્યાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે ખુબજ જરૂરી છે. જૂનાગઢના ગરવા ગિરનારમાં ગુરૂદતાત્રેય, અંબામા અને જૈન મંદિરો આવેલા છે. જ્યાં આજે વિશ્વ સ્તરીય રોપવેનો પ્રારંભ થતા અબાલ-વૃદ્ધ સૌને કલાકોના બદલે મિનિટોમાં જ દર્શનનુ સદભાગ્ય પ્રાપ્ત થશે. ગિરનાર પર્વત શિખર ઉપર અદ્દભૂત શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. રોપ-વેના કારણે એડવેન્ચર વધશે. સાથો સાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. લોકોએ ઘણા વર્ષોની રાહ જોયા બાદ રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઇ છે. ટૂરિસ્ટોની વધતી સંખ્યા સ્થાનિક આવક તો વધારે જ છે. સાથો સાથ અનેક લોકોને રોજગારી પણ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને આનંદ છે કે કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. ભારત આજે સોલર પાવર ઉત્પાદન અને એનો ઉપયોગ કરતા હોય એવા ગણતરીના દેશોમાં આવે છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી રહેશે.
નોંધનીય છે કે, ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં ૮૦૦ લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. ૨.૩ કિલોમીટરના રૂટમાં ૯ ટાવર લગાવવામાં આવ્યા છે. ૧ ટાવરની લંબાઈ ૬૬ ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર ૨૪ ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં ૮ લોકો બેસશે. એક ફેરામાં ૧૯૨ દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેક્ન્ડ ૫ મી. રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર ૨૧૬ મી. (૩૬ સેકન્ડ) હશે. ૧ કલાકમાં ૮૦૦ દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે સંવેદના વ્યકત કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવમાં નોરતાના પવિત્ર પર્વની લોકોને શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યુ હતે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત માટે જોયેલા સપનાને સાકાર કરવાનો આજ અનોખુ પર્વ છે. આજે ગુજરાત વડાપ્રધાનએ ચિંધેલા રસ્તે દિનપ્રતિદિન દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યુ છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી, મેડીકલ હોય કે પછી ટુરીઝમ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે આપત્તિને અવસરમાં ફેરવી વિકાસની યાત્રા લગાતાર આગળ વધારી છે. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યુ હતુ કે, હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડામાંથી અંધારા ઉલેચ્યા હતા. ગુજરાતને ૨૪ કલાક વીજળી જ્યોતિગ્રામ યોજના થકી પુરી પાડવાનુ શરૂ કર્યુ હતુ. હવે કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પડાશે. જેથી રાત ઉજાગરો કરીને હવે ખેડૂતોને ખેતીકામ નહીં કરવા પડે. ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી પ્રાપ્ત થશે તેમ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ગિરનાર પર્વત ઉપર યાત્રિકોને લઇ જતાં ડોલી વાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સહર્ષ જણાવ્યુ હતું કે, ડોલી વાળાઓ શારિરીક શ્રમ કરી લોકોને પર્વત ઉપર દર્શન કરાવતા હતા. પવિત્ર પર્વત ગિરનારમાં અનેક પરમ આત્મા-સાધુ-સંતોએ સાધના કરી છે. મોક્ષ ગતિ પ્રાપ્ત કરી છે. ત્યારે આવી પવિત્ર જગ્યાએ રોપ-વેના માધ્યમથી ભાવિકો સરળતાથી અંબાજી માતાના દર્શન કરી શકશે.