ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
કોઈ પણ ક્ષેત્ર હોય ગુજરાતીઓ ત્યાં પોતાની કલા-કારીગરી દર્શાવે છે અને ગરવા ગુજરાતનું નામ રોશન કરે છે. ત્યારે મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી વ્યાસને બાળપણથી અંતરિક્ષ શોધમાં રૂચિ હતી. પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણ પત્રો હાંસિલ કર્યા છે. 3 મે થી 28 મે દરમિયાન પ્રાચિ વ્યાસે એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.
ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અવકાશમાં મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કર્યું હોવાનું પ્રાચી વ્યાસે જણાવ્યું હતું. લઘુગ્રહો અંગે રીસર્ચ કરી પ્રાચીએ ખોજ નામની સંસ્થા મારફતે પોતાનો પ્રોજેક્ટ નાસામાં મોકલ્યો હતો.
પ્રાચીએ જણાવ્યું હતું કે, જ્યારે તે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી ત્યારથી જ તેને અંતરિક્ષમાં અને અંતરિક્ષના સંશોધનોમાં રસ હતો. તેણે એમ પણ જણાવ્યું કે, તેને કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ જ અંતરિક્ષમાં રહીને ઘણું બધુ શિખી દેશ અને રાજ્યનું નામ રોશન કરવું છે. પ્રાચીની આ સિદ્ધિનિ લઈને પરિવાર તેમજ શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.