સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી
ગુજરાતની પાવન ભૂમિને નમન કરૂં છું: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
આજે વિવિધતામાં એકતાના ખરા દર્શન થયા: ડો. દર્શિતા શાહ
“અબતક” સાથેની વાતચીતમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર વિશ્વાસ તિરંગા, હર દિલ તિરંગા, હમારા સ્વાભિમાન તિરંગા, હમારી સ્વતંત્રતા તિરંગા, હ મારી રાષ્ટ્રીય એકતા તિરંગા, આ સાબિત કરવા માટે દરેક લોકો તિરંગા સાથે રાજકોટની સમગ્ર જનમેદની રસ્તા પર ઉતરી આવી છે. આપણું સ્વતંત્રતાનું પ્રતિક,સ્વાભિમાનનું પ્રતીક,આપણા ગૌરવનું પ્રતીક, તિરંગાના માધ્યમથી રાષ્ટ્રીય એકતા અને માધ્યમથી વિવિધતામાં એકતાના માધ્યમથી એક લાખથી વધુ જનમેદની તિરંગા યાત્રા માં જોડાઈ છે.એક લાખથી પણ વધારે લોકો તિરંગાને માન સન્માન ગૌરવ અપાવવા માટે તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા છે. સ્વયંભૂ લોકો ખૂબ ઉત્સાહથી દરેક જ્ઞાતિ જાતિ બધાથી પર થઈને વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક રૂપે 1 લાખ થી પણ વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે.
નેશન ફર્સ્ટ સાથે શહેરીજનો ઉમળકાભેર તિરંગા યાત્રામાં જોડાયા: જયમીન ઠાકર
“અબતક” સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે રાજકોટ થી તિરંગા યાત્રા રાજકોટના નગરજનોને જોડતી આ યાત્રા શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રના મંત્રી સી.આર. પાટીલ અધ્યક્ષસ્થાનમાં ભવ્ય તિરંગા યાત્રાનું રાજકોટના મહાનગરપાલિકાના સૌજન્યથી આયોજન થયું છે. યાત્રામાં એક લાખથી વધુ લોકોની જન્મમેદની જોડાઈ છે. રાજકોટના 48 રાજમાર્ગો પર વિદ્યાર્થીઓ દેશનો રાષ્ટ્રધ્વજ લઈને રાષ્ટ્રભાવના સાથે દેશભક્તિની ભાવના સાથે યાત્રામાં જોડાયા છે.
નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર તિરંગા” અભિયાનને રાજકોટવાસીઓએ વધાવી લીધું: ડો.ભરત બોઘરા
“અબતક” સાથેની વાતચીતમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું અભિયાન હર ઘર તિરંગા રાજકોટવાસીએ પોતાનું અભિયાન માનીને દેશભક્તિનો માહોલ રાજકોટના રાજમાર્ગો પર જોવા મળી રહ્યો છે. લાખો લોકોની સહાદત પછી મળેલી આઝાદીને રાજકોટના લોકો વીર શહીદોને,અમર શહીદોને સલામી આપી રહી છે.
“તિરંગા યાત્રા” સુપર હિટ: કોર્પોરેશનના પદાધિકારીઓ-અધિકારીઓ ખુશખુશાલ
તિરંગા યાત્રામાં સામેલ થનારા તમામનો આભાર માન્યો
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહ્યા. આ તિરંગા યાત્રા કાર્યક્રમને ભવ્ય અને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ વ્યવસાયિક એસો., વિવિધ ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્ડર્સ, આર્કીટેકટ, ક્ધસલ્ટન્ટન્ટ એસો., એન્જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, એનજીઓ, સખી મંડળો, રમત ગમતની સંસ્થાઓ, એનજીઓ, એનસીસી, આઇએમએ, કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસો., હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, હાઈસ્કૂલો, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની ખાનગી શાળા તથા ટ્રસ્ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, સ્માર્ટ સોસાયટીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોનો મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ખાસઆભાર કર્યો હતો.
ડો.બોઘરા, દોશી અને ઠાકરની પીઠ થાબડતા નડ્ડા, પાટીલ અને પટેલ
તિરંગા યાત્રામાં વિશાળ માનવમેદની નિહાળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ખૂશખૂશાલ
રાજકોટમાં આજે યોજાયેલી તિરંગા યાત્રા ઐતિહાસીક બની રહી હતી માત્ર છ દિવસનો સમય આપવામાં આવ્યો હોવા છતાં તિરંગા યાત્રામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને જયમીન ઠાકરની ત્રિપુટીએ ખંભે ખંભા મિલાવી તિરંગા યાત્રામાં શહેરમાં કેસરિયો રંગ ઘૂંટવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી. શહેરની વિવિધ સેવાકીય અને સામાજીક સંસ્થાઓ, એનજીઓ, શાળા કોલેજોનાં સંચાલકો સાથે બેઠકનો ધમધમાટ ચાલુ કરી દીધો હતો. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપની સંગઠનની ટીમને કોમ લગાડી દીધી હતી.
આજે સવારે તિરંગા યાત્રાના આરંભ પૂર્વે જ સમગ્ર રૂટ પર દેશદાઝ સાથે હાથોમાં તિરંગો લઈ શહેરીજનો ઉમટી પડયા હતા ચારે બાજુ માત્ર તિરંગાનો ઘુઘવાટ જોવા મળતો હતો આ અલૌકિક અને ઐતિહાસીક દ્રશ્ય નિહાળી ભાજપન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખુશખુશાલ થઈ ગયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજીપો વ્યકત કર્યો હતો. આ ત્રણેય મહાનુભાવોએ શહેર ભાજપની ત્રિપુટીની પીઠ થાબડી હતી. અને તિરંગા યાત્રાની ઐતિહાસીક સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ મૂકેશ દોશીએ સફળતાની સતત બીજી હેટ્રીક લગાવી છે. માડી ગરબો, મોદીની સભા, તિરંગા યાત્રા ઉપરાંત 9મી ઓગસ્ટ 1942 એ મહાત્મા ગાંધીજીએ “અંગ્રેજો હિન્દ છોડો” કરેલી હાકલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ આંદોલન જન-જનનો અવાજ બની ગયું હતું અને અંગ્રેજોને પડકાર આપ્યો હતો. એ પછી અનેક અનેક આંદોલનો ચાલ્યા અને દેશ આઝાદ થયો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશની આઝાદી માટે અનેક વીર જવાનો શહીદોએ પોતાના બલિદાનો આપ્યા છે, આજે અનેક સુરક્ષા જવાનો બોર્ડર પર ફરજ બજાવીને દેશની સરહદોને સુરક્ષિત રાખે છે. જેના કારણે આપણે શાંતિ અને સલામતીના વાતાવરણમાં જીવીએ છીએ. તો નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે કે, આ આઝાદીનો ઉપયોગ કરીને અમૃત કાળમાં ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ, એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે.
તેમણે કહ્યું હતું કે, જ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્ર્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી 30 વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે સાધેલા વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત 97 ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે. ઉપસ્થિત યુવા પેઢી તથા ભાવિ પેઢીને આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવામાં તમારા સૌનું યોગદાન ખૂબ મહત્વનું છે.