બજેટનું કદ 2 લાખ કરોડની આસપાસ રહે તેવી સંભાવના: કોરોના કાળમાં અનેક વિધ રાહતો જાહેર કરાશે
ભાજપને ખોબલે-ખોબલે મત આપનાર મતદારો માટે નાણાના પટારા ખૂલ્લા મૂકી દેવાશે: નાણામંત્રી નીતિન પટેલ સાતમી વખત બજેટ રજૂ કરશે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ચૂકયું છે. મહાપાલિકાની માફક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપની પકકડ જોવા મળી છે. આવતા વર્ષ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે મતદારોને રિઝવવા માટે સત્તાધારી પક્ષ કોઈ જ કસર છોડવા માંગતું નથી. આવતીકાલે વિધાનસભામાં નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરશે જેમાં કોરોનાના કપરા કાળનો છેલ્લા એક વર્ષથી સામનો કરી રહેલી રાજયની જનતા માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજયની આઠ મહાપાલિકાઓ માટે કરોડો રૂપીયાની જોગવાઈ કરવામાં આવે તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે. ટુંકમાં અંદાજપત્રમાં તમામ વર્ગને આવરી લેવાનો રૂપાણી સરકારનો પ્રયાસ રહેશે.
નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આવતીકાલે સવાર વિધાનસભા ગૃહમાં રાજય સરકારના વર્ષ 2021-22 માટેનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવશે નીતિનભાઈ પટેલ દ્વારા સતત સાતમી વખત બજેટ રજૂ કરવામાં આવશે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજૂભાઈ પાળાના નામે છે.છેલ્લા એક વર્ષથી રાજયની જનતા કોરોના સામે સતત ઝઝુમી રહી છે. લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં ધંધો રોજગારને ફટકા પડયા છે. આવામાં બજેટમાં ધંધા રોજગાર માટે મોટી રાહત જાહેર કરવામાં આવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી.
રાજયમા તાજેતરમાં યોજાયેલી છ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી વિસ્તારોનાં મતદારોએ ભાજપ પર ફરી અપાર પ્રેમ વરસાવ્યો છે. અને તમામ મહાપાલિકામાં ભાજપને તોતીંગ બહુમતી આપી છે. આ ઉપરાંત 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ પ્રત્યે લોકોનો પ્રેમ જોવા મળ્યો છે. આવામાં કમળને ખોબલે ખોબલે મત આપનાર જનતાપર રૂપાણી સરકાર પણ મનમૂકી ને વરસે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. મહાપાલિકા માટે કેટલીક ખાસ યોજનાઓ અને નાણાંકીય જોગવાઈની જાહેરાત કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી રાજય સરકારના બજેટના કદમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુજરાત સરકારના બજેટનું કદ 2 લાખ કરોડની આસપાસ રહેવાની શકયતા જણાય રહી છે. ખેડુતો, મહિલાઓ, વેપારીઓ, લઘુઉદ્યોગ, બાળકો ટુંકમાં તમામ વર્ગને રાજી રાખવા માટેનો પ્રયાસ બજેટમાં કરવામાં આવશે.
સતાના સેમીફાઈનલ સમી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. દરમિયાન આવતા વર્ષે અર્થાત વર્ષ 2022ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ ફરી પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવે તેવો પ્રયાસ બજેટ થકી રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવશે. જોકે વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક બજેટ આવતા વર્ષ આપવામાં આવશે. છતા વર્ષ 2021-22ના બજેટમાં પણ લોકો નારાજ ન થાય તેવા પ્રયાસો રૂપાણી સરકારનો રહેશે.
સામાન્ય રીતે રાજય સરકારનું બજેટ ફેબ્રુઆરી માસમાં જાહેર કરી દેવામાં આવતું હોય છે.પરંતુ ફેબ્રુઆરી માસમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાનાં કારણે બજેટ આપી શકાયું નહતુ. ગત રવિવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલીકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી પણ પૂર્ણ થવા પામી છે. આવામાં આવતીકાલે રાજય સરકારનું બજેટ જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારની માફક રાજય સરકારનું બજેટ પણ સંપૂર્ણ પણે પેપરલેશ રહેશે.