જનહિતલક્ષી બજેટ રજુ કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ.
નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજુ થયેલ લેખાનુદાન બજેટ ૨૦૧૯ને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટેના રોડ મેપ સમાન આજનું બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને સર્વ હિતકારી બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સંવેદનશીલતા, પારદર્શીતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભને આધાર બનાવી વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના બજેટમાં વિધવા બહેનના માસિક પેન્શનમાં વધારો, આશા ફેસીલીટેટર બહેનોના મહેનતાણામાં માસિક ૨૦૦૦ રૂપિયાનો વધારો, આંગણવાડી બહેનોના માસિક વેતનમાં વધારો, પાકિસ્તાનની જેલોમાં રહેતા માછીમારોના પરીવારોને આપવામાં આવતું દૈનિક નિર્વાહભથ્થુ બમણું કરી રૂપિયા ૩૦૦ કરવામાં આવ્યું વગેરે જેવા અનેક સંવેદનશીલ નિર્ણયો દ્વારા ભાજપા સરકારે આ બજેટમાં તમામ વર્ગોની ચિંતા કરી છે. કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશકિતકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક-સામાજીક સુખાકારીને પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ રજુ કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
કોંગ્રેસની નિષ્ક્રિયતા અને અસંવેદનશીલતાને ખુલ્લી પાડતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પ્રજાની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટેનું બજેટ ગૃહમાં રજુ થઈ રહ્યું હતું ત્યારે ચર્ચામાં ભાગ લેવાને બદલે ગૃહમાં વિપક્ષના નેતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિત ૫૦ ટકાથી વધુ કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જે દર્શાવે છે કે, માત્ર વોટબેંક અને વર્ગવિગ્રહની રાજનીતિ કરતી કોંગ્રેસને ગુજરાતની પ્રજાના કલ્યાણમાં કે ગુજરાતના વિકાસ કાર્યોમાં કોઈ રસ કે રૂચી નથી.