૧લી માર્ચથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ: ત્રીજી માર્ચે નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે ચાલુ સાલ ગુજરાત સરકાર બજેટ રજૂ કરી શકી નથી. દરમિયાન રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ૧લી માર્ચથી વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થશે અને ત્રીજી માર્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતવાસીઓ બજેટ પોતાના મોબાઈલમાં નિહાળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત બજેટ નામની આ એપ મારફતે કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં બજેટની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે.

રાજ્યમાં કોરોનાના સંક્રમણ છેલ્લા આઠ દિવસથી સતત વધી રહ્યું છે ત્યારે સોમવારથી શa થતાં બજેટ સત્રમાં કેટલીક માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. જેમાં ધારાસભ્યો, પત્રકારો અને પ્રેક્ષકોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેઓને ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. જો કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તે વ્યક્તિને ગૃહમાં પ્રવેશ મળશે.

ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના દરેક લોકોને મોબાઈલ પર બજેટ નિહાળી શકે તે માટે સરકારે ગુજરાત બજેટ નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે જેના પર બજેટની માહિતી મળી રહેશે. ત્રીજી માર્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રાજ્યનું ૨૦૨૧-૨૨ માટેનું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં મહાનગરો માટે જાહેરાતો કરવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.