સસ્તા મકાનો માટે સરકારની પ્રોત્સાહક નીતિના કારણે રાજયભરમાં સસ્તા મકાનોની પ્રોજેકટોની બોલબાલા વધી
આપણા દેશની સંયુકત પરિવારની ભાવના ધીમેધીમે લુપ્ત થતી જાય છે. જેથી સંયુકત પરિવારો નાના નાના પરિવારોમાં વહેંચાઈ રહ્યા છે. જેની, નાના પરિવારો માટે નાના અને સસ્તા મકાનોની માંગ વધતી જાય છે. કેન્દ્રની મોદી સરકારે પણ દેશના તમામ પરિવારોને તેમનું પોતાનું મકાન આપવા કમર કસી છે. જેના ભાગરૂપે તાજેતરમાં નાના અને સસ્તા મકાનોમાં જીએસટીનો દર ઘટાડીને ૧૨ ટકા જેવો સામાન્ય કરી દેવામાં આવ્યો છે. જેથી ગુજરાતમાં નાના અને સસ્તા મકાનોની માંગ ઉભી થવા પામી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં ઉદ્યોગકારો પણ સસ્તા મકાનોની સ્કીમો મૂકવા લાગ્યા છે. જેથી રાજયભરમા ડેવલપ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ૩૩ ટકા ભાગ નાના અને સસ્તા મકાનોની સ્કીમોનો બની ગયો છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટાયર ૧માં ૬૦ મીટર એટલે કે ૧૦૦૦ સ્કેવર ફીટથી મોટા મકાનોના સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજયની પ્રોત્સાહક નીતિના કારણે રાજયભરમાં નાના અને સસ્તા મકાનોની સ્ક્રીમોમાં ભારે લેવાલી નીકળી છે. જેથી, રિયલ એસ્ટેટ ઉદ્યોગકારો પણ નાના અને સસ્તા મકાનો બનાવવાની સ્ક્રીમો મુકવા લાગ્યા છે. રાજયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવી સ્કીમોને મંજૂરી આપતી ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી પાસે રહેણાંક કોમર્શિયલ અને મિશ્ર ઉપયોગ માટે ૫,૧૯૧ પ્રોજેકટો મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે. જેમાંથી ૩૩ ટકા એટલે કે ૧,૬૯૪ પ્રોજેકટો નાના અને સસ્તી રહેણાંક હેતુ માટેના પ્રોજેકટો છે. જેમાંની ૮૭૮ માત્ર રહેણાંકના જયારે ૮૧૬ મિશ્ર ઉપયોગ માટેના પ્રોજેકટો છે.
રાજયમાં સૌથી વધારે અમદાવાદમાં ૫૦૨ નાના અને સસ્તા હાઉસીંગ પ્રોજેકટોને રેરાએ મંજૂરી આપી છે. વડોદરામાં ૩૬૨ પ્રોજેકટો, રાજકોટમાં ૨૬૫ પ્રોજેકટો, સુરતમાં ૨૩૬ પ્રોજેકટો જયારે અન્યત્ર ૩૩૦ પ્રોજેકટોને રેરાએ મંજુરી આપી છે. તેમ ક્રેડાઈના પ્રમુખ આશીષ પટેલે જણાવ્યું હતુ જાણીતી રીયલ એસ્ટેટ કંપની નાઈટ ફેન્ક ઈન્ડીયાના મત મુજબ અમદાવાદમાં જુલાઈથી ડીસેમ્બ ૨૦૧૮ વચ્ચે અમદાવાદમાં ૮૪૪ રહેણાંક હેતુ માટેના પ્રોજેકટો શરૂ થયા હતા જેથી મોટાભાગના સસ્તા હાઉસીંગ ક્ષેત્રના છે વર્ષ ૨૦૧૮ના બીજા ભાગમાં ૬૧ ટકા પ્રોજેકટો શરૂ થયા હતા જેની કિંમત ૫૦ લાખ રૂ. કરતા નીચે હતી સામાન્ય રીતે એવું મનાય છે કે અમદાવાદની માર્કેટ પ્રાઈઝસેન્સીટીવ છે અને તેમાં સસ્તા પ્રોજેકટોમાં વધારે રસ દાખવે છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં અગ્રણી ઉદ્યોગકારોએ સસ્તા મકાનોના પ્રોજેકટોને મળી રહેલા આવકાર માટે કેન્દ્ર અને રાજય સરકારની પ્રોત્સાહક નીતિ માને છે. આગામી સમયમાં સસ્તા મકાનોની માંગમાં વધારો થવાનીસંભાવના પણ તેમને વ્યકત કરી હતી.