- જાહેર બાંધકામ પરીક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: છેલ્લા ચાર વર્ષમાં ગેરી દ્વારા 6.14 લાખથી વધુ નમૂનાઓનું કરાયું સફળ પરીક્ષણ: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
- -ચાર વર્ષમાં આ પરીક્ષણ દ્વારા રાજ્ય સરકારને રૂા. 184 કરોડથી વધુની આવક
- -વર્ષ 2021-22માં વાર્ષિક કુલ 1 લાખ પરીક્ષણ સામે વર્ષ 2024-25 માં 1.90 લાખ પરીક્ષણ કરાયા
- -મુખ્યમથક વડોદરા સહિત રાજ્યભરમાં કુલ 24 આધુનિક પ્રયોગશાળાઓ કાર્યરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વડોદરા ખાતે કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ વર્ષ 2021-22 થી એટલે કે છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 6.14 લાખથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. આ પરીક્ષણ થકી રાજ્ય સરકારને અંદાજે કુલ રૂ. 184 કરોડથી વધુની માતબર રકમની આવક- રેવન્યુ પણ પ્રાપ્ત થઇ છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રે થતા બાંધકામ કામોના પરીક્ષણ માટે વડોદરાના ગોત્રી સહિત રાજ્યભરમાં વિવિધ પ્રયોગશાળાઓ-લેબ કાર્યરત છે. આ પ્રયોગશાળાઓમાં વર્ષ 2021-22માં 1.03 લાખથી વધુ નમૂનાઓના પરીક્ષણ દ્વારા રૂ. 30 કરોડ , વર્ષ 2022-23માં 1.33 લાખ પરીક્ષણ થકી રૂ. 42.74 કરોડ, વર્ષ 2023-24 માં 1.87 લાખથી વધુ પરીક્ષણ દ્વારા રૂ. 53.93 કરોડ જ્યારે વર્ષ 2024-25 માં જાન્યુઆરીના અંત સુધીમાં 1.90 લાખ નમૂનાઓના પરીક્ષણ થકી રૂ. 57.46 કરોડ એમ કુલ 6.14 લાખથી વધુ પરીક્ષણ દ્વારા રૂ. 184 કરોડથી વધુની આવક થઇ છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગેરી દ્વારા આધુનિક ઉપકરણોના માધ્યમથી તેમજ પૂરતા માનવ સંસાધનના પરિણામે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ 2021-22 થી 2023-24 સુધીમાં માત્ર અગત્યના માટી પરીક્ષણ, ક્રોંક્રીટ મિક્સ ડિઝાઇન તેમજ આસ્ફાલ્ટ મિક્સ ડિઝાઇનના મળીને કુલ 9,228 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2023-23માં 831 માટી પરીક્ષણ સામે વર્ષ 2023-24 માં 2646 એટલે ત્રણ ગણા વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે જે જાહેર અને ખાનગી બાંધકામ ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત માળખુ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્ય મંત્રી મુકેશએ જણાવ્યું હતું કે, જાહેર અને ખાનગી બાંધકામની ગુણવત્તા સંબંધિત કરવામાં આવતા વિવિધ પરીક્ષણમાં ગુજરાતે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોઇપણ જાહેર ઇમારત કે બાંધકામનું આયુષ્ય-ટકાઉપણું તેની પાયાની ગુણવત્તાના આધારે જ નક્કી થતું હોય છે. આ ગુણવત્તા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગેરીની વિવિધ આધુનિક લેબમાં ઇમારતોનું સમયસર યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિસરનું પરીક્ષણ કરવામાં આવે છે.મુખ્યમથક વડોદરા સહિત ગેરી અંતર્ગત રાજ્યભરમાં કુલ 24 આધુનિક પ્રયોગશાળાઓ કાર્યરત છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.