કૃષિ રાજયમંત્રીનો રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીને ઉત્તર
ભારતમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૩૧ કરોડ ટન રહ્યું હતું. જે વર્ષ ૨૦૧૫-૧૬ના ૧.૬૩ કરોડ ટનના ઉત્પાદનની સરખામણીએ ૪૧ ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં કઠોળનું ઉત્પાદન ભારતમાં ૧.૭૨ કરોડ ટન અને ગુજરાતમાં ૫.૭૪ લાખ ટન રહ્યું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન ૫૦ ટકા જેટલું વધ્યું હતું. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજયમાં કઠોળનું ઉત્પાદન ૫.૪૩ લાખ ટન હતું. જે વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૧૮ લાખ ટન સુધી પહોંચ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજય મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતે માર્ચ ૨૩, ૨૦૧૮ના રોજ રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે નેશનલ ફુડ સિકયોરીટી મિશન (એન.એફ.એસ.એમ) પલ્સીસ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (એન.એસ.એસ.એ.) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પી.એમ. એસ. કે. વાય) સોઈલ હેલ્થ કાર્ડ સહિતના પાક વિકાસ યોજનાઓ/ કાર્યક્રમોનો અમલ કર્યો છે. નથવાણી દુષ્કાળને કારણે કઠોળના ઉત્પાદન પર થયેલી અસર, સરકાર દ્વારા કઠોળનું ઉત્પાદન વધારવા લેવાયેલા પગલા અને કઠોળનું ઉત્પાદન વધારવા માટે વર્ષ ૨૦૧૮-૧૯માં ફાળવવામાં આવેલી રકમ અંગે જાણવા માંગતા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, રવી/ ઉનાળુ પાક દરમિયાન કઠોળના વાવેતરનો વિસ્તાર વધારવાનો કાર્યક્રમ એન.એફ. એસ.એમ.-પલ્સીસ હેઠળ અમલમાં મુકવામાં આવેલો છે. આ કાર્યક્રમ હેઠળ ટેકનોલોજીમાં સુધારો, પ્રમાણિત બિયારણનાં વિતરણ, અસરકારક સિંચાઈ માટેના સાધનોનો ઉપયોગ, ઈન્ટીગ્રેટેડ ન્યુટ્રીઅન્ટ મેનેજમેન્ટ (આઈ.એન.એસ) અને ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (આઈ.પી.એમ) વગેરેનો સમાવેશ થાય છે એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે સમયાંતરે કઠોળના ટેકાના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કઠોળના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી શકાય. વર્ષ ૨૦૧૮-૧૯ માટે નેશનલ ફુડ સિકયોરીટી મિશન માટે રૂ.૧૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં એન.એફ.એસ.એસ.-પલ્સીસના હિસ્સાનો પણ સમાવેશ થાય છે.