ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરને રવિવારે મેઘરાજાએ રિતસર ધમરોળી નાખ્યું છે. આકાશી આફતના કારણે અમદાવાદમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. શહેરમાં 7 ઇંચથી લઇ 18 ઇંચ સુધી વરસાદ વરસી જવાના કારણે શહેર પાણી-પાણી થઇ ગયુ હતું. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચિંતા કરતા મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી કરીને સ્થિતિનો સંપૂર્ણની માહિતી મેળવી હતી.