માનસિક અસ્થિરને ‘ગાંડા ભગવાન’ કહીને સંબોધતા આ સેવાધારી તેની સુશ્રુષા કરવાના ઉત્તમ કાજને જ ભકિત માને છે
‘સેવા તીર્થ મહાન’ ની ઉકિતને ખરા અર્થમા સાર્થક કરનાર અનેક મહાનુભાવો તથા સંસ્થાઓ વિશે જાણવું અને સાંભળવું એ પણ એક લ્હાવો છે. ત્યારે આવા જ એક ગૌરવવંતા ગુજરાતી વિશે વાત કરતા ખરેખર ગર્વ અનુભવાય છે. ગાંડા એ જ મારે માટે ભગવાન છે. અને તેની સેવા કરવી એને જ હું રામાયણ, ભાગવત બરાબર માનું છું. આવા મહાન વાકયો ઉચ્ચારનાર અને એક અનોખો સેવાયજ્ઞ ચલાવનાર વિષ્ણુભાઇ ભરાડ ઉર્ફે ગાંડાની મોજ તરીકે પ્રખ્યાત એવા અડગ મનના સેવાભાવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કે હું ઇશ્ર્વર પાસે કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારું કાર્ય કરું છું. દરેક ગાંડામાં મને ભગવાનના દર્શન થાય છે. કેટલા વર્ષોથી આ પ્રવૃતિ કરવામાં આવે છે? તે વિશે માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષોથી હું આ કાર્ય કરું છું. દર પુનમે રાજકોટથી દ્વારકા રીક્ષા લઇને સેવા અથેૃ નીકળુ છું. સવારે નવ વાગ્યે સેવાયજ્ઞની શરુઆત કરવામાં આવે છે. પરત ફરતા ભાન ભૂલાય જાય છે. અને તરસ પણ નથી લાગતી, તેઓએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, હું જયારે મારી આ સેવાયજ્ઞ શરુ કરું છું અને પરત ફરુ છું ત્યારે મને રાત્રે સૂતી વખતે એવો વિચાર નથી આવતો કે કેટલા ગાંડાજનોની સેવા કરી, પણ એ વખતે મને એ વિચાર આવે છે કે આજે મારાથી કોની સેવા ન થઇ શકી? કોણ રહી ગયું? પોતાની સેવા અંગે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, મને ગાંડા ભગવાન ને માત્ર બુંદી-ગાંઠીયા જ નહીં પણ એના મોંમાંથી જે નીકળે કે આ ખાવું છે પછી એ પિત્ઝા હોય કે ભજીયા હું તેને ખવડાવામાં આનં અનુભવું છું.
વિષ્ણુભાઇએ પોતાના ટ્રસ્ટ વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટનું મુળ નામ સત સેવા ભાવ નામ છે અને ટ્રસ્ટીઓમાં કાનજીભાઇ સગપરીયા, ભરતભાઇ બારડ (જે.કે. મોટર્સ વર્કશોપ) હરેશ પટેલ, દિનેશભાઇ વગેરેનો ઉતમ સહયોગ છે. તેઓ કયારેય પૂછતા નથી કે કેટલો ખર્ચ થયો અને મનગમતી પ્રવૃતિઓ કરવા દે છે.
ગાંડાની પરિસ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં આશરે 40 થી 4પ જેટલા ‘ગાંડા ભગવાન’ છે. જેઓને પોતાનું નામ શું છે? કઇ જ્ઞાતિ છે કંઇ ભાન નથી હોતી, બહુ ખરાબ હાલતમાં હોય છે. કયારેક તો અમુક ‘ગાંડા ભગવાન’ના શરીરમાં જીવડા પણ પડી ગયા હોય છે. આવા સંજોગોમાં અમે તેને નવડાવીને સફાસફાઇ કરીએ તેને ચોખ્ખા કપડા પહેરાવવા નખ કાપવા, વગેરે કરીને તેની સંભાળ લઇએ છીએ ઘણી વખત કોઇ ‘ગાંડા ભગવાન’નું મૃત્યુ થવાનું હોય ત્યારે અંત:ર્સ્ફર્ણાથી ખબર પડી જાય છે. આ દરેક સેવા કાર્ય હું મારા ગુરૂ હિરહરાનંદજીની કૃપાથી કરું છું, મારા માટે આજ રામાયણ અને આજ ભાગવત છે. સેવાકાર્ય માટે તેમણે સંદેશો આપણા જણાવ્યું હતું કે મંદિરોમાં કરોડો ખર્ચાય છે તેના કરતાં જે બાળકો ભણી નથી શકતા અને આવા અનેક વિઘાર્થીઓને ભણાવા એ સાચી ભકિત છે. વિષ્ણુભાઇ ભરાડ પોતાનું આ સેવાકીય કાર્ય રાજકોટથી લીંમડી સુધી તથા રાજકોટથી દ્વારકા સુધી લંબાવીને કરે છે. તેમજ રસ્તામા પણ જો કોઇ ‘ગાંડા ભગવાન’ મળી આવે તો તેની સુશ્રુષા કરે છે. આ અંગે તેમણે એક એવો અનુભવ જણાવ્યો હતો કે એક વાર તેમને રસ્તામાં એક ગાંડી સ્ત્રીનો ભેટો થયો હતો, આમ તો તેઓ મર્યાદાને લઇને સ્ત્રીઓની સાર સંભાળ કરતા પુરુષોમાં ‘ગાંડા ભગવાન’ને અગ્રીમતા આપે છે પણ કયારેય જરુરીયાત મુજબ ગાંડી સ્ત્રીઓની સંભાળ પણ લે છે. આ સ્ત્રીની નજીક જવાથી તે ઘણીવાર બૂમો પાડે છે. કારણ તેનું શોષણ થયું હોય છે તેવા સંજોગોમાં આ મળી આવેલી ગાંડી સ્ત્રીઓની માનસિક હાલત પ્રેમમાં દગો અથવા ભણવામાં નિષ્ફળતા મળી હોય ત્યારે થાય છે. આવી દયનીય સ્થિતિ ધરાવતા ‘ગાંડા ભગવાન’ની સેવા એ પુણ્ય કાર્ય છે અને હું મારું આ કાર્ય હજુ સાત વર્ષ સુધી કરીશ તેમ અંતમાં વિષ્ણુંભાઇ ભરાડે જણાવ્યું હતું.