કાલે સાયન્સ પ્રવાહમાં જીવવિજ્ઞાનનું પેપર: શુક્રવારથી પેપર ચકાસણી શરુ થશે
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી બોર્ડની પરીક્ષાનો ધમધમાટ જારી છે ત્યારે ગઇકાલે ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે. જયારે આજે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ગુજરાતી ભાષાનું પેપર તેમજ આવતીકાલે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પેપર લેવાનાર છે. હજુ સામાન્ય પ્રવાહની પરીક્ષા ર૮મી માર્ચ સુધી ચાલશે અને વૈકલ્પીક વિષયોના પેપરો બાકી છે.
ઉલ્લેખનીય છે કે ધો.૧૦માં ગઇકાલે ગણિતનુ છેલ્લું પેપર હતું ગણિતનું પેપર છેલ્લા ર૦ વર્ષ દરમિયાન સૌથી અધરુ નીકળ્યું હતું. જેના લીધે ગણિતના પેપરે વિઘાર્થીઓનો પરસેવો પાડી દીધો હતો. જયારે સાંજે લેવાયેલી ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં મનોવિજ્ઞાન અને અંગ્રેજીનું પેપર સરળ નીકળતા વાલીઓ અને વિઘાર્થીઓએ હાંશકારો અનુભવ્યો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.
ધોરણ ૧૦ પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે હવે પેપર મૂલ્યાંકન કેન્દ્રો પર મોકલી આપવામાં આવશે. જેમાં રાજકોટ જીલ્લાના પાંચ કેન્દ્રો ઉ૫ર ધો.૧૦ના અને ચાર કેન્દ્રો પર ધોરણ ૧ર સાયન્સના પેપરોનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. રાજકોટમાં કેમેસ્ટીનું સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, ગણિતનુ બાઇસાહેબમાં, ફિઝીકસનું રણછોડ વિઘાલયમાં, અને બાયોલોજીનું કરણસિંહજી સ્કુલ ખાતે મૂલ્યાંકન કરવામાં આવનાર છે જો કે હજુ બાયોલોજીનું પેપર આવતીકાલે લેવાનાર હોય પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પેપરો ગાંધીનગર મોકલવામાં આવશે.
ત્યારબાદ મૂલ્યાંકન માટે કરણસિંહ હાઇસ્કુલ ખાતે ઉત્તરવહીઓ આવી જશે. ધો. ૧૦ માં ગણિત માટે આટકોટ, સામાજીક વિજ્ઞાન માટે સુપેડી, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે બાટમા, અંગ્રેજી માટે પડધરી અને સામાજીક વિજ્ઞાનનું સુપેડી ખાતે પેપર મુલ્યાંકન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આજે ગુજરાતીનું પેપર લેવાનાર છે અને શુક્રવારથી જ ધો.૧૦ અને ધો.૧રની ઉત્તરવહી ચકાસણી માટે ધમધમાટ શરુ થઇ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,