કલાને પ્રોત્સાહન આપના‚ સૌપ્રથમ ગુજરાતી ચિત્રપટ
ફિલ્મને ત્રણ આંતરરાષ્ટ્રીય સહિત પાંચ એવોર્ડ પ્રાપ્ત: મુખ્ય ભુમિકામાં
દિનેશ લાંબા અને પીનલ ઓબેરોય: ‘પાત્ર’ ફિલ્મની ટીમ ‘અબતક’ના આંગણે
ઢોલીવુડના હુલામણા નામથી પ્રખ્યાત આપણી પ્રાદેશિક ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ હવે મેઈન સ્ટ્રીમથી તદન વિપરીત પ્રયોગાત્મક અને લોકોને માણવી અને સમજવી ગમે તેવી ફિલ્મો બનાવવા લાગ્યા છે. ગુજરાતી ચિત્રપટના ૮૬ વર્ષના દીર્ઘકાલીન ઈતિહાસમાં સંતો, સતીઓ, રાજા-મહારાજા અને બહાવટીયાઓ, મહાનુભાવો અને નેતાઓનું જીવન કથન રજુ કરતી બાયોપીક કક્ષાની કઈ કેટલીય ફિલ્મો અત્યાર સુધીમાં રજુ થઈ છે અને તેમાની ઘણી સફળ પણ થઈ છે.
ત્યારે ગુજરાતના જ ચિત્રકારનું જીવન કથન અને તેની ચિત્રની કળાને જીવાડવાનો સંઘર્ષ રજુ કરતી સૌપ્રથમ ફિલ્મ ‘પાત્ર’ હમણાં જ વેકેશનમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વિદેશોમાં રિલીઝ થવાની છે. થિયેટરોમાં રિલીઝ થતા પહેલા જ ૩ ઈન્ટરનેશનલ કક્ષાના સહિત કુલ ૫ એવોર્ડ જીતી ચુકેલી આ ફિલ્મ ગુજરાતી ચિત્રપટની દુનિયામાં નવા નવા રેકર્ડ સર્જે તો પણ નવાઈ નહીં લાગે.
શિવમ-જેમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લિ.પ્રસ્તુત ‘પાત્ર’ ફિલ્મએ ગુજરાતના જ જાણીતા ચિત્રકાર કે.આર.યાદવના જીવનનો સંઘર્ષ રજુ કરતી સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને ગુજરાતી વિષયના જાણીતા ડાયરેકટર ભાવિન ત્રિવેદીએ ડાયરેકટ કરી છે. જયારે આપણા શહેર રાજકોટના જ જાહેર જીવનના આભૂષણ સમા જમીન-મકાન ક્ધસ્ટ્રકશન, હોટલ, પેટ્રોલીયમ તેમજ કોટનના વ્યવસાય સાથે સંકળાયેલા અસંખ્યા સેવા સંસ્થાઓને આર્થિક અને સામાજિક હુંફ આપનાર, વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા મનના માલેતુજાર માનવી શહેર ભાજપ અગ્રણી ભુપતભાઈ બોદર તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસચેન્જના ડાયરેકટર જૈન સ્થાનકવાસી મોટા સંઘ તેમજ સરદારનગર ઉપાશ્રયના ટ્રસ્ટી યુવા જૈન અગ્રણી મિલન મીઠાણી તેમજ શહેરના અન્ય જાણીતા યુવા અગ્રણી વિરલ પટેલ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે.
‘પાત્ર’ ફિલ્મના પ્રોડયુસર ભુપત બોદર અને તેની ટીમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો બહોળો અનુભવ પ્રાપ્ત થયો છે. તેઓ આ અગાઉ દુ:ખીયાના બેલી બાપા સીતારામ જેવી પરગજુ પ્રવૃતિના અલગારી ઓલીયા જેવા સંતનો જીવનગાથા રજુ કરતી સફળ હીટ ફિલ્મ સહિત કુલ ૪ ગુજરાતી અને મરાઠી ફિલ્મો રજુ કરી ચુકયા છે. જેમાં રમા માધવ, હોસ્ટેલ ડે અને પ્રેમ મંજે પ્રેમ મંજે પ્રેમસનો સમાવેશ થાય છે.
‘પાત્ર’ ફિલ્મના પ્રોડયુસર એવા ભુપતભાઈ બોદર જણાવે છે કે હિન્દી ફિલ્મોમાં તો રમત-ગમત અને કળાને ઉજાગર કરતી ઘણી ફિલ્મો આવી ગઈ પણ ગુજરાતી ફિલ્મોમાં આવા પ્રકારની એમાંય ખાસ કરીને ચિત્રકારની કળાની વાત રજુ કરતી ફિલ્મનો અત્યાર સુધી કયારેય આવી જ નથી. ‘પાત્ર’ ફિલ્મ એ ગુજરાતના જ ચિત્રકાર કે.આર.યાદવના જીવનની સત્ય ઘટનાઓને રજુ કરતું ચિત્રપટ છે.
જેણે હંમેશા તેના જીવનમાં પૈસા અને પરિવાર કરતા પણ ચિત્રકળાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. ‘પાત્ર’ એ માત્ર ફિલ્મ નહીં પરંતુ કલાકારના કલા માટેનો સંઘર્ષ અને સમર્પણને આદરાંજલી છે. આ ફિલ્મનું શુટીંગ રાજકોટ, ગોંડલ, વિરપુર, જેતપુર અને ખાડીયા (અમદાવાદ)ના વિસ્તારોમાં માત્ર ૨૨ દિવસના ટુંકાગાળામાં કરવામાં આવ્યું છે. જેમાં કે.આર.યાદવનું મુખ્ય પાત્ર અનેક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં સહકલાકારની ભૂમિકા ભજવેલ જાણીતા મુંબઈના કલાકાર દિનેશ લાંબાએ ભજવ્યું છે, જયારે હિરોઈન તરીકે જાણીતી ટીવી અદાકારા પીનલ ઓબેરોયે પાત્ર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
‘પાત્ર’ ફિલ્મ ગુજરાત સહિત ભારતભરના થિયેટરોમાં તો આ વેકેશનમાં રજુ થવાની છે પરંતુ રિલીઝ થતા અગાઉ જ આ ફિલ્મને અત્યાર સુધી કુલ ૫ એવોર્ડ મળી ચૂકયા છે અને ૩૦થી વધુ એવોર્ડ મળવાની પુરેપુરી શકયતા છે. અમેરિકા ખંડના સૌથી જુના અને પ્રખ્યાત ૬૬માં કોલંબલ એવોર્ડ માટે પાત્ર ફિલ્મની બેસ્ટ ફિલ્મમાં પસંદગી થઈ છે.
આ ઉપરાંત ૩જા ઈન્ડીયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલ-૨૦૧૯માં આ ફિલ્મના ડાયરેકટર ભાવિન ત્રિવેદીને બેસ્ટ ડાયરેકટરના એવોર્ડ પણ ફિલ્મ પાત્ર માટે મળ્યા છે અને ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ માટે પણ પાત્ર ફિલ્મ પસંદ થઈ છે તથા દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટીવલ માટે પણ આ ફિલ્મ પસંદગી કરવામાં આવી છે. પાત્ર ફિલ્મના ડાયરેકટર ભાવિન ત્રિવેદી આ અગાઉ રોલ નં.૫૬ નામની ગુજરાતી સફળ ફિલ્મ પણ ડાયરેકટ કરી ચુકયા છે. ફિલ્મને જોરદાર સફળતા મળે તે માટે ડાયરેકટર ભુપતભાઈ બોદર, મિલનભાઈ મિઠાણી, ભાવિનભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ કિયાડા, નિલેશભાઈ ખુંટ અને મુકેશભાઈ દોશીએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.