છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વાગવા લાગ્યો ,ગુજરાતી ફિલ્મ ઇતિહાસ બહુ જૂનો છે, પણ થોડા વર્ષોથી નેશનલ કક્ષાએ, ઓસ્કાર એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ચમકી રહી છે. આવનારો દશકો ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણમય બની રહેશે. આજે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ગુજરાતી વેબ સિરીઝ અને ફિલ્મો ખૂબ જ ધૂમ મચાવે છે.
1932 માં આવેલી નરસિંહ મહેતા ગુજરાતી ફિલ્મ બાદ ઘણી બધી ગુજરાતી ફિલ્મ બની હતી , પણ 1960 માં આવેલી મેંદી રંગ લાગ્યો તથા 1963 માં આવેલી અખંડ સૌભાગ્યવતી ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. એક જમાનામાં રમેશ મહેતા ની ગુજરાતી કોમેડી જોવા માણસો ફિલ્મ જોવા જતા હતા. અર્બન મુવીનાં આજના યુગમાં ગુજરાતી ફિલ્મોના પ્રમોશન પણ હિન્દી ફિલ્મો જેવા થવા લાગ્યા છે.
આઝાદી પહેલા 1932માં નરસિંહ મહેતા ગુજરાતી ફિલ્મ બની બાદમાં ઢોલીવુડની અસંખ્ય ફિલ્મો નિર્માણ થઇ : અર્બન ગુજરાતી ફિલ્મ 2012માં ‘કેવી રીતે જઇશ’ થી નવો ટ્રેન્ડ શરૂ થયોને પછી ‘બે યાર’ અને ‘છેલ્લો દિવસ’ ફિલ્મે અર્બન મુવીને સફળતા અપાવી
છેલ્લા દસકામાં ઘણી બધી ગુજરાતી ફિલ્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ જાણીતી બની હતી 2019 માં આવેલી ફિલ્મ હેલ્લારો અને ધ લાસ્ટ ફિલ્મ શો એ દુનિયામાં ગુજરાતી ફિલ્મોને ટોચે પહોંચાડી હતી
ગુજરાતી ફિલ્મોના જૂનો જમાનો યાદ કરીએ તો ઘણા કલાકારો સાથે નોન ગુજરાતી હિરોઇનની સફળ ફિલ્મો યાદ આવી જાય. આમ જોઇએ તો પણ એ જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા સાથે રજનીબાળા, રમેશ મહેતા, મંજરી દેસાઇની કોમેડી સાથે ફિલ્મ ભરપૂર મનોરંજન આપતી 1990ના દશકામાં ગુજરાતી ફિલ્મોમાં દ્વી અર્થ સંવોદો પણ ખૂબ જ ઉપડી જતાં હતાં. ગામડાનું દ્રશ્ય, પ્રેમ સ્ટોરી, ડાકુના ધિંગાળાને કોમેડીની વાતોમાં દર્શકોને મઝા પડી જતી હતી. ગુજરાત સરકાર પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સારૂ પ્રોત્સાહન આપી રહ્યા છે.
હિન્દી ફિલ્મોમાં જેને ડાયરેક્ટર તરીકે નામના મેળવી તે રવિન્દ્ર દવેએ ઘણી સારી ફિલ્મો બનાવી હતી. ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ ઘણા કલાકારો હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવા લાગ્યા. જેમાં અસરાની, કિરણ કુમાર શ્રીકાંત સોની, રીટા ભાદુરી, અરવિંદ ત્રિવેદી, દિપીકા ચીખલીયા, અરૂણા ઇરાની, જયશ્રી ટી જેવા મોખરાના નામ છે. એ જમાનામાં ગુજરાતી હિરોઇનમાં મલ્લિકા સારાભાઇ, રાગીણી જેવી બે ત્રણ હિરોઇન જ ગુજરાતી હતી બાકી નોન ગુજરાતી હિરોઇન વધુ સફળ રહી હતી. જેમાં રીટા ભાદુરી, અરૂણા ઇરાની, રોમા માણેક, જયશ્રી ટી, સ્નેહલતાના નામો લઇ શકાય.
જૂની ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે નલિન દવે, ફિરોજ ઇરાની, અરવિંદ રાઠોડ, નારાયણ રાજગોર, ચંદ્રકાન્ત પંડ્યા જેવા નામો હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા, અરવિંદ ત્રિવેદી, રાજીવ, દિપક ઘીવાલા જેવા હિરોએ જમાનાના હતાં. અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, મહેશ નરેશ જેવા સંગીતકારોના ગીતો-ગરબા આજે પણ ધૂમ મચાવે છે. ઉમરગાવ અને હાલોલના સ્ટુડિયોમાં જ ફિલ્મ શૂટ થઇ જતી. આઉટ ડોર બહુ ઓછુ જોવા મળતું. ઢોલના તાલે ગીતો વધુ હતા કદાચે એટલે જ ઢોલીવુડ નામ પડી ગયું હશે.
પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ જેવા નામાંકિત ગાયકોના સ્વર સાથે જૂની ગુજરાતી ફિલ્મોમાં કિશોર કુમાર, લત્તા, રફી, આશા, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા હિન્દી ફિલ્મી ગાયકોએ પણ સુંદર ગીતો ગાયા છે. હું અમદાવાદનો રીક્ષા વાળો આજે પણ એટલું જ લોકપ્રિય ગીત છે.
આજના અર્બન ગુજરાતી મૂવીના સોંગ યુવા વર્ગને આકર્ષે છે. જેમાં ગોરી રાધાને કાળો કાન ફિલ્મ રોંગ સાઇડ, રાજુ તા થૈયા થૈયા તા થૈયા ફિલ્મ ભવની ભવાઇ, મન મેળો. મન મેળો ફિલ્મ, લવની ભવાઇ ફિલ્મ, એવો આવ્યો રે આવ્યો રે અસવાર ફિલ્મ, હેલ્લારો જેવા ગીતો યુવા વર્ગના ફેવરિટ છે. 1960 થી 80 ના દશકામાં ગુજરાતી ફિલ્મોના સફળ યુગ બાદ તેની પડતી થઇ 2000 પછી નવી ફિલ્મો બની પણ ચાલી નહી પછી અર્બન મૂવીનો યુગ આવતા આજે દર્શકો ગુજરાતી ફિલ્મ ફરી જોતો થયો છે. 2005માં સરકારે 100 ટકા કરમુક્તિ આપી અને 2016માં ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતી પણ અમલમાં આવી. ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજીક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે.
ગુજરાતનાં લોકપ્રિય સંતો અને સતી ઉપરથી ફિલ્મો બનતી હતી. લગ્નજીવન આધારિત ગુણસુંદરી અને કિરિયાવર જેવી ફિલ્મો નોંધપાત્ર હતી. ગુજરાતી નવલકથા ઉપરથી પણ ઘણી ફિલ્મો બની જેમકે કાશીનો દિકરો 80 થી 90 કે 2000ના દશકામાં ગુજરાતી ફિલ્મોને હિન્દી ફિલ્મની અસર થઇ હતી એ પહેલા માત્ર ગ્રામ્ય દર્શકોને ધ્યાને લઇને ફિલ્મો બનતી. બોલતી ગુજરાતી ફિલ્મોનો યુગ 1932 થી 1947 હતો. મળેલા જીવ (1956), કાદુમકરાણી (1960), અખંડ સૌભાગ્યવતી (1963) જેમાં હિન્દી ફિલ્મ અભિનેત્રી આશા પારેખે અભિનય કર્યો હતો. બાદમાં કંકુ (1969), જીગર અને અમી, મારે જાવું પેલે પાર અને સંસાર લીલા જેવી હિટ ફિલ્મો હતી. કેતન મહેતાએ ‘ભવની ભવાઇ’ ફિલ્મ બનાવી જેને બે એવોર્ડ મળ્યા હતાં. 1979માં ‘કાશીનો દિકરા’ ફિલ્મ બહુ જ સફળ રહી હતી.
બદલાતા નવા ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડમાં વિક્રમ રાઠોડ, ધર્મેશ વ્યાસ, હિતેન કુમાર, ચંદન રાઠોડ, હિતુ કનોડીયા જેવા કલાકારોનો પણ દશકો ગુજરાતી ફિલ્મોમાં હતો. 2012માં અભિષેક જૈને કેવી રીતે જઇશ, બે યાર (2014)માં ફિલ્મો બનાવીને એક નવો જ ટ્રેન્ડ ગુજરાતી ફિલ્મોનો આવ્યોને પછી ‘છેલ્લો દિવસ’ ફિલ્મે તો સમગ્ર દેશમાં ધૂમ મચાવી હતી. જાણીતા નાટ્ય કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજ્જુભાઇ ધ ગ્રેટ’ પણ દર્શકો હિટ કરી દીધી હતી.
64 અને 65માં ફિલ્મ ફેસ્ટીવલમાં 2016માં રોંગ સાઇડ રાજું અને ‘ઢ’ (2017)માં તથા શુભ આરંભ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ (2017) આ વર્ષે જ ‘લવ ની ભવાઇ’ સાથે ચાલ મન જીવતા જઇએ જેવી અર્બન ગુજરાતી મૂવીએ પુનરૂત્થાનમાં મહત્વનો ફાળો આપ્યો છે. આજના યુવાકલાકારોમાં મિત્ર ગઢવી, જીમીત ત્રિવેદી, યશ સોની, તુષાર સાધુ, દિવ્યાંગ ઠક્કર, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, દિક્ષા જોશી, એશા કંસારા જેવા વિવિધ નામો યુવા વર્ગના ફેવરીટ છે. નવા યુગની નવી ગુજરાતી હિટ ફિલ્મોમાં બે યાર, પાસપોર્ટ, હેલ્લારો, થઇ જશે, ધૂન કી, ચાલ જીવી લઇએ, અફરા તફરી, પાઘડી, રેવા, શોર્ટ સર્કીટ, વીટામીન સી, કેમ છો અને કેશઓન ડિલેવરી જેવી હિટ ફિલ્મો દર્શકોએ સફળ બનાવીને ગુજરાતી ફિલ્મોને જીવનદાન આપ્યું છે.
જૂના ગુજરાતી ફિલ્મોએ જમાનાને અનુરૂપ સારા જ હતા પણ, બદલાતા સમયે યુવાવર્ગને ગમતા અર્બન ગુજ્જુ મૂવી બનતા આજે ઘણી સારી ફિલ્મો દર્શકોને જોવા મળે છે. આજની જાણીતી તમામ ટેલીવિઝન સીરીયલમાં ગુજરાતી કલાકારોનું મહત્વ વધારે છે. રામાનંદ સાગરની રામાયણ, મહાભારતમાં મોટા ભાગના ગુજરાતી કલાકારો હતા. જેમાં રાવણનું અમરપાત્ર ‘અરવિંદ ત્રિવેદી’ અમઇ થઇ ગયા હતાં.
અને છેલ્લે છેલ્લે રમેશ મહેતાનો ડાયલોગ………ઓહો..હો..હો.ક્યાં ગામના ગોરી.