હેપ્પી ભાવસારના નિધનના અહેવાલ સામે આવતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું; શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું ને તેઓ આ કેન્સર સામેની જંગ હારી ગયાં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકવનારા અહેવાલ સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી હેપ્પી ભાવસારનું ફેફસાના કેન્સરના કારણે ગત રોજ મધ્ય રાત્રિએ નિધન થયું છે. નાની વયે અભિનેત્રીએ દુનિયાને અલવિદા કીધું છે. અભિનેત્રીને અઢી મહિનાની ટ્વિન્સ દીકરીઓ છે. હેપી ભાવસારને એક મહિના પહેલાં જ લંગ કેન્સર અંગે જાણ થઇ હતી. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું ને તેઓ આ કેન્સર સામેની જંગ હારી ગયાં.
હેપ્પી ભાવસારના લગ્ન મૌલિક નાયક સાથે થયા હતા. મૌલિક નાયક પણ દમદાર અભિનેતાની સાથે પ્રખ્યાત હાસ્યરેલાવતા વીડિયોઝ માટે જાણિતા છે. તેમણે હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે. રૂપેરી પડદા પર પણ આ જોડીએ કમાલ કરી છે. અભિનેત્રીએ દૂરદર્શનની શ્યામલી ફિલ્મથી ડેબ્યું કર્યું. તેમણે મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલોમાં પણ અદભુત કાર્ય કર્યું હતું. રાગી જાની અને સૌનક વ્યાસનું પ્રખ્યાત નાટક પ્રિત પિયુને પાનેતરમાં તેમણે 500થી વધુ શો કર્યા હતા. તેમને ગ્રેજ્યુએશન દરમ્યાન જ મહાત્મા બોમ્બ નાટક માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
હેપ્પી ભાવસારને મધુ રાય દ્વારા લખવામાં આવેલા અને અભિનય બેન્કરે ડિરેક્ટ કરેલા નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો માટે બેસ્ટ એક્ટ્રેસ અને નરસિંહ મહેતામાં મહેતી ના નેગેટિવ રોલ માટે પણ એવોર્ડ મળ્યા હતા. તેઓ આકાશવાણી ઉપરાંત ઈ-લર્નિંગ પ્રોગ્રામ્સ માટે વોઈસ ઓવર પણ કરતા હતા.
હેપ્પી ભાવસારના નિધનના અહેવાલ સામે આવતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હેપ્પી ભાવસાર ગુજરાતી ફિલ્મ જગતમાં ઘણા સમયથી કાર્યરત હતા.તેમણે સંખ્યાબંધ નાટકો, ગુજરાતી સિરિયલો અને ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમણે વર્ષ 2015થી ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયરથી અભિનય ક્ષેત્રે શરૂઆત કરી હતી.