કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે શ્રેણીનું જીવંત પ્રસારણ માણો
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં તેમના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે ગુજરાતી -ફિલ્મો-નાટકો-ટીવી શ્રેણીના જાણિતા કલાકારો લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.જેનો લાભ દુનિયાના ખૂણે-ખૂણેથી કલા રસિકો જોડાય ને મનોરંજન માણી રહ્યા છે. ગુજરાતી તખ્તાના સુપ્રસિદ્ધ અને દમદાર અભિનેતા દર્શન જરીવાલા જેમને આજે આખું જગત ઓળખે છે એ એક નોખા જ વિષય “ગુજરાતી : નાટક કે સ્ટેન્ડઅપ” સાથે ગઈકાલે કોકોનટ થિયેટરનાં ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3 નાં લાઈવ સેશનમાં આવ્યા હતા.
ગુજરાતી નાટક અને સ્ટેન્ડઅપ કોમેડી ને શું સંબંધ છે ? એ બાબતે વિસ્તારથી વાત કરતા દર્શનભાઈએ કહ્યું કે આ કોરોનાકાળના કારણે આપણે એકબીજા સાથે હોવા છતાં પણ એકબીજાથી દૂર થઈ ગયા છીએ, અને આવા સંજોગોમાં કયું કોમ્યુનિકેશન સૌથી વધારે અસરકારક હોય છે ? તો એ છે ઈન્ટરનેટ, લેપટોપ, ટીવી કે મોબાઈલમાં જોવાતા લાઈવ પ્રોગ્રામ. જેને સ્ટેન્ડઅપ કહી શકાય. એકલો માણસ ગુજરાતી તખ્તા પર શું શું કરી શકે છે એના પર પ્રકાશ પાડતા કહ્યું કે નાટકના અત્યારનો સમય ઘણો બદલાઇ ગયો છે. ફરિવાર તખ્તા પર, થિયેટર માં બધા ભેગા મળીશું ત્યારે ઘણું બધું બદલાઈ ચૂક્યું હશે, લોકોને મોબાઈલ, લેપટોપ, ટીવીની આદત પડી હશે, આવી પરિસ્થિતિમાં ગુજરાતી નાટક ક્યાં જશે ? એવા વિચારની દર્શનભાઈ સરસ વાત કહી કે ગુજરાતી નાટક ક્યારેય મરી શકે કે નહીં, કેમકે કલાકારને પ્રેક્ષકની અને પ્રેક્ષકોને નાટકોની આદત પડી ચૂકી છે.
તે સતત ચાલતી જ રહેશે. તખ્તા પર કલાકારોને લાઈવ રિસ્પોન્સની આદત છે અને પ્રેક્ષકોને લાઈવ સાંભળીને વા..હ..કરવાની દાદ આપવાની આદત છે. જે જલ્દી નહિ બદલાય. પણ..થોડા સમયથી, ખાસ કરીને આજના ગુજરાતી તખ્તા પર છેલ્લા થોડા વખતમાં જે માર પડ્યો છે એ બાબતે વિસ્તારથી જણાવીએ કે આ બાબતે પ્રેક્ષક અને નિર્માતા કે કલાકાર બધાનો જ વાંક છે.
આજકાલ નાટકોમાં જોક ( જોક્સ ) ની ભરમાર થઈ ગઈ છે. રમૂજવૃત્તિ અથવા કોમેડીનું સ્થાન વ્હોટ્સ એપના જોકસે લઈ લીધુ છે. નાનકડી કથામાંથી વાર્તા બનાવવાની હોય અને વાર્તાનો સરસ મજાનો વિસ્તાર, સ્ક્રિન પ્લે દ્વારા થાય ત્યારે સ્ક્રિન પ્લે બનાવતા ખબર પડે તેમાં ક્યાંક નબળાઈ છે. ત્યારે કલાકાર કે દિગ્દર્શક તેમાં વચ્ચે જોક્સ મૂકી રમુજ ઉમેરે છે. તેમાં નોકર આવે, પાડોશી આવે અથવા તો ગમે તે રીતે એકાદ બે જોક્સ આવે જ. ઘણીવાર નાટકનો મુખ્ય કલાકાર પણ અભિનય કરતાં કરતાં પ્રેક્ષકો સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરે છે.
જે સ્ટેન્ડઅપ કહી શકાય. જેમાં ચોથી દીવાલ તોડીને પ્રેક્ષકો સાથે વાત કરે છે. આવી ગુજરાતી નાટકની પરિસ્થિતિ ખરેખર દયનીય છે. માન્યું કે એક કમર્શિયલ ઇન્ટેનસન સાથે બનેલ નાટક ઘણાં શો ચાલે એમ નિર્માતા ઈચ્છે. મુખ્ય કલાકારને ઊંચું મૂલ્ય ચૂકવાય ત્યારે એ કલાકારનો વધુ ઉપયોગ થાય. આખું નાટક એનાં જ ખભે હોય. અને આસપાસના કલાકારને ઓછું મહેનતાણું આપી અભિનયને બદલે. માત્ર અમુક સંવાદો સાથે ઉભા રહેવાનું કામ આવે. જેમાં લોકોને હસાવવાનું પુણ્ય તો માત્ર મુખ્ય કલાકાર લઈ જતો હોય છે. જો કે આ પરિસ્થિતિ માટે પ્રેક્ષકો પણ એટલા જ જવાબદાર છે.
આ સિવાય પ્રેક્ષકો, મિત્રોના સવાલોના જવાબ તો ખરા આજે આ નોખા કલાકારનો વિષય પણ અનોખો હતો. સીધી અને સચોટ વાતો સાંભળવા મળી આજે. તમે જો દર્શન ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ગુજરાતી ડો. પ્રભાકર દાભાડે , રાજુ બારોટ, ડો. સતીશ વ્યાસ, મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, ભીમ વાકાણી, જયેન્દ્ર મહેતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે સુપ્રસિધ્ધ રંગકર્મી અને નાટ્યવિદ્ ડો. મહેશ ચંપકલાલ
આજે 6 વાગે કોકોનટ થિયેટર અને અબતકના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને ગુજરાતી સંગીત-નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત તેમજ જયશંકર ‘સુંદરી’ એવોર્ડથી સન્માનીત સુપ્રસિધ્ધ રંગકર્મી અને જાણિતા નાટ્યવિદ ડો. મહેશ ચંપકલાલ લાઈવ આવીને ‘થિયેટર ઓફ ભારતમુનિ‘ વિષયક પોતાના વિચારો અને અનુભવો દર્શકો સાથે શેર કરશે. ડો. મહેશભાઈ વર્ષોથી રંગભૂમિ સાથે જોડાયેલા છે.