- માનસી પારેખને ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાયો: નેશનલ એવોર્ડ મેળવતી વખતે માનસી પારેખ ભાવુક થઈને રડવા લાગી, રાષ્ટ્રપતિએ ખભા પર હાથ મૂકીને હિંમત આપી
વિજ્ઞાન ભવનમાં નવી દિલ્હી ખાતે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતીય સિનેમાની જાણીતી હસ્તીઓને સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન, રાષ્ટ્રપતિએ માનસી પારેખ અને નિત્યા મેનનને શ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા. બંને અભિનેત્રીઓ માટે આ પહેલો નેશનલ એવોર્ડ છે. માનસી પારેખે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની ભૂમિકા માટે આ એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મ પરંપરાગત કચ્છી પરિવારમાં સંબંધોની જટિલતાઓને શોધે છે. માનસી આ ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે. આ બંને અભિનેત્રીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે બંનેને પ્રથમ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. માનસી પારેખ પુરસ્કાર લેવા મંચ પર પહોંચી તો પોતાના આંસુ રોકી શકી નહીં અને રડી પડી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેના ખભે હાથ રાખી તેનો જુસ્સો વધાર્યો હતો. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં વર્ષ 2022 અને 2023માં આવેલી બેસ્ટ ફિલ્મોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમાં બેસ્ટ એકટર સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં એક ગુજરાતી કલાકાર માનસી પારેખનું પણ નામ સામેલ હતુ.