ગણપતિ બાપા મોરીયા… કોરોનાનું મોચન કરશે સંકટ મોચન
કમ ઓન ગુજરાત; કેસો ઘટ્યાં છે અને ઘટાડવા જ છે, એ જ “સંકલ્પ”
આજે સંકટ ચતુર્થી છે.વિઘ્નહર્તા દેવ પાસે સમગ્ર દેશ નમન કરીને કોરોના મહામારીમાંથી ભારતીયોને બહાર લાવવા પ્રાર્થના કરી રહ્યું છે.કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંદર્ભે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. પોઝીટીવીટી તેમજ જાગૃતતા દ્વારા કોરોના દર્દીઓના રિકવરી રેટમાં વધારો થતાં લોકોમાં પણ ઘણી હિંમત આવી છે.સિવિલ હોસ્પિટલ,સમરસ તેમજ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ સ્વસ્થ બની રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત હવે કોરોના સામેની જંગમાં જાગૃત બન્યું છે.અબતક મીડિયા દ્વારા કોરોનાની આ મહામારીમાં લોકોમાં પોઝિટિવિટી આવે તે હેતુથી આજે સંકટ ચતુર્થીથી “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” અભિયાનનો પ્રારંભ કર્યો છે.
બેડની અછત, બાટલાની તંગી ઈંજેક્શનની મોકાણ બહુ થયું…
લોકોએ ઘર બેઠાં રિક્વરી રેટ વધાર્યો
આ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં સમાજના અગ્રણીઓ ,શ્રેષ્ઠીઓ,સામાજીક સંસ્થાઓ તેમજ અધિકારીઓએ અબતક મીડિયાની આ મુહિમને બિરદાવી છે.અબતક મીડિયા તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરીએ, પોઝિટિવ વિચારો રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ.લોકોની જાગૃતતા કોરોનાને દેશવટો આપશે તે વાતમાં પણ કોઈજ શંકાને સ્થાન નથી.
‘અબતક’ મીડિયાને ‘ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યું’ અભિયાન શરૂ કરવા બદલ હું અભિનંદન પાઠવું છું: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
કોરોના મહામારીમાં એક જવાબદાર મીડિયા તરીકે લોકોની મદદે ‘અબતક’ મીડિયા હરહંમેશ માટે અગ્રેસર હોય છે. ત્યારે કોરોનાની આ મહામારીમાં લોકોમાં પોઝિટીવીટી આવે અને લોકો કોરોનાથી ડરે નહીં અને તેની સામે લડે અને કોરોનાને હરાવે તે હેતુથી ‘અબતક’ મીડિયા દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ અભિયાન આજે સંકટ ચતુર્થીથી શરૂ કરેલ. આ મુહીમને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધાવી ‘અબતક’ મીડિયાને શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્ર્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. દુનિયા સામે એક મોટુ સ્વાસ્થ્ય સંકટ આવી ઉભુ રહ્યું છે. સરકારી આરોગ્ય તંત્ર અને માનવ સમાજ સાથે મળીને મહામારીને પહોંચી વળવા અથાક પ્રયત્નો કરી રહ્યું છે. આપણે કોરોનાથી ડરવાનું નહીં પણ લડવાનું છે. આપણે પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને એસએમએસનું પાલન કરવાનું છે. એસએમએસ એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર. જરૂર વગર ઘરની બહાર ન નીકળીએ, પ્રવાસ ટાળીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારે લગાવેલા નિયંત્રણો અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરીએ. રસી કોરોના મહામારી સામે લડવાનું એક અમોધ શસ્ત્ર છે. ભારતવાસીઓ ભાગ્યશાળી છે કે આપણા જ દેશમાં બનેલી કોરોના રસી આપણી પાસે ઉપલબ્ધ છે. ત્રણ તબક્કામાં રસીકરણ અભિયાન ચલાવ્યું છે. રસી મેળવનાર રાજ્યના તમામ નાગરિકો આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરીયર્સને હું ધન્યવાદ પાઠવું છું, હવે સમય આવી ગયો છે કે, રસીકરણના ચોથા તબક્કાનો એક મોટો યુવા વર્ગ સમયસર રસી મેળવે. આ બધી તકેદારી રાખી જો ‘ગુજરાત જાગ્યુ તો કોરોના ચોક્કસ ભાગ્યુ’ એ સમજી જ લેજો. આજે સંકટ ચતુર્થી છે ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભારત સહિત સમગ્ર વિશ્ર્વને આ કોરોનાના સંકટ સમયમાંથી વિઘ્નહર્તા આપણને બહાર કાઢે. આ મહામારીમાં મીડિયાની ભૂમિકા અતિ મહત્વની છે. કપરા સમયે લોકોને માહિતગાર કરવા, કેસો ઘટે પણ વધે નહીં તે માટે મીડિયા મહેનત કરી રહ્યું છે. ‘અબતક’ મીડિયાને ‘ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યું’ અભિયાન શરૂ કરવા બદલ હું અભિનંદન પાઠવું છું, આવો આપણે સૌ સાથે મળી લડાઈ લડીએ, કોરોનાને હરાવીએ ગુજરાતને જીતાડીએ. ‘જય હિન્દ, જય જય ગરવી ગુજરાત’