દરિયાઈ સુરક્ષાને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દ્વારા ડેફએક્સપો-2022નું ઘડાતું આયોજન: 50થી વધુ દેશો ભાગ લેશે
ગુજરાત વિશાળ દરિયા કિનારો ધરાવતો હોય, અર્થતંત્રમાં તે અમૂલ્ય ફાળો આપે છે. સાથોસાથ સરકાર માટે આ દરિયાની સુરક્ષા પણ એક મોટી જવાબદારી છે. જો કે સરકાર તેમાં કોઈ ચૂક રાખવા ઇચ્છતી ન હોય, આગામી દિવસોમાં એશિયાથી લઈ આફ્રિકા ખંડ સુધીના દરિયાને સુરક્ષા કવચ આપવા ગુજરાત પહેલ કરવાનું છે.
મોદી સરકાર અત્યારે બે મુદ્દાનો કાર્યક્રમ કરી રહી છે. એક તો ઇકોનોમીનો ગ્રોથ અને બીજું આતંકવાદનો ખાત્મો. બીજો જે મુદ્દો છે તે માત્ર આતંકવાદ હટાવવા પૂરતો નથી. દેશની તમામ પ્રકારની સુરક્ષા પુરી પાડવા સરકાર એક પછી એક પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય આગામી ડેફએક્સપો 2022 દરમિયાન ઈન્ડો-આફ્રિકન અને હિંદ મહાસાગરના દેશો વચ્ચે સંરક્ષણ સંવાદ જેવી મોટી ઈવેન્ટ્સનું આયોજન કરશે. કોવિડ-19 રોગચાળાને કારણે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ છેલ્લાં બે વર્ષમાં યોજાઈ નથી. ત્યારે આ ઇવેન્ટ સુરક્ષાને લઈને મહત્વનો ભાગ ભજવે તેવી આશા સેવાઈ રહી છે. આ ઇવેન્ટમાં ઘણા આફ્રિકન અને હિંદ મહાસાગર જૂથના દેશોની ભાગીદારી કરશે.જો કે ભારત સરકારે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સહભાગીઓની અંતિમ યાદી આપવાની બાકી છે, આ ઇવેન્ટમાં યુએસ, કેનેડા, જાપાન, યુકે, રશિયા સહિતના 50થી વધુ દેશો જોડાઈ તેવી પૂરેપૂરી શકયતા છે. આ ઇવેન્ટમાં રાજ્ય સરકાર ગુજરાતમાં સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની સંભાવનાઓ પર પેવેલિયન બનાવવાની યોજના ધરાવે છે.
- 18થી 22 ઓક્ટોબરે યોજાશે ડેફએક્સપોનું મુખ્ય પ્રદર્શન
ડેફએક્સપોની 12મી આવૃત્તિ કે જેમાં જમીન, નૌકા અને માતૃભૂમિ સુરક્ષા પ્રણાલીઓ પરનું મુખ્ય પ્રદર્શન 18 થી 22 ઓક્ટોબરની વચ્ચે ગાંધીનગરમાં યોજાશે. પાંચ દિવસીય ઇવેન્ટમાં ત્રણ કામકાજના દિવસો અને બે જાહેર દિવસ હશે. કે જેના પબ્લિક જઇ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પાંચેય દિવસ સશસ્ત્ર દળો, ડીપીએસયુ અને ઉદ્યોગના સાધનો અને કૌશલ્ય સેટ્સનું પ્રદર્શન કરતા જીવંત પ્રદર્શનો યોજાશે. ઉદ્ઘાટન કાર્યક્રમ મહાત્મા મંદિર ક્ધવેન્શન હોલમાં યોજાશે.
- ડિફેન્સ કંપનીઓ રિવરફ્રન્ટ ખાતે યોજશે લાઈવ ડેમોસ્ટ્રેશન
રિવરફ્રન્ટ પર પ્રદર્શન અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન યોજાશે. જેમાં કંપનીઓ વચ્ચે ભાગીદારી બનાવવા માટે “બંધન” જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારો અને વેબિનાર્સ, સ્ટાર્ટઅપ્સ/એમએસએમઈનું પ્રદર્શન અને ભવિષ્યના યુદ્ધક્ષેત્ર માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સ પણ આ ઇવેન્ટમાં દર્શાવવામાં આવશે. આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે દરિયાઈ માર્ગેથી થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ડામવા સરકાર એક્શન મોડમાં
- શુક્રવારે મોદી અને પુતીન વચ્ચે બેઠક સુરક્ષા અને ઉર્જા મુદ્દે થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી એસસીઓ કાઉન્સિલના રાજ્યોના વડાઓની 22મી બેઠકમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવના આમંત્રણ પર મુલાકાત લેશે. આ સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. આ દરમિયાન તમામની નજર પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત પર રહેશે. સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,પીએમ મોદી સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે. આ બેઠકમાં સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, ઉર્જા વગેરે મુદ્દાઓ ઉપર વાતચીત થશે. બન્ને દેશો આ મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લ્યે તેવી પણ આશા સેવાઈ રહી છે.
- ચીન-ભારત વચ્ચે સંધી: ચીન હવે પોતાની હદમાં રહ્યું!!
ભારત અને ચીનની સેનાઓ પૂર્વ લદ્દાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલિંગ પોસ્ટ-15થી પરત ફરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને સેનાઓમાંથી હટાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.
નોંધનીય છે કે 5 મે, 2020 ના રોજ, પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક અથડામણ પછી પૂર્વ લદ્દાખ સરહદ પર અવરોધ શરૂ થયો હતો. આ અથડામણ ત્યારે થઈ જ્યારે ચીની સૈનિક લદ્દાખ સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી, બંને પક્ષોએ ધીમે ધીમે આ વિસ્તારમાં હજારો ભારે સશસ્ત્ર સૈનિકો તૈનાત કર્યા. ત્યારથી, ભારત-ચીન સૈનિકો પેટ્રોલિંગ પોઈન્ટ 15 નજીક એકબીજાની સામે તૈનાત છે. હવે ભારત અને ચીને પણ પેંગોંગ ત્સો તળાવની બંને બાજુથી સૈનિકોને હટાવી દીધા છે.
- ભારતની અધ્યક્ષતામાં આગામી વર્ષે યોજાશે જી-20 બેઠક
ભારતની અધ્યક્ષતામાં જી20 જૂથની સમિટ આવતા વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધીના એક વર્ષના સમયગાળા માટે જી20ના પ્રમુખની જવાબદારી સંભાળશે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું, ભારત તેની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2022 થી દેશભરમાં જી-20ની 200 બેઠકોની અધ્યક્ષતા કરશે. 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં જી20 નેતાઓની સમિટ યોજાશે. જી20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.
આ જી20 દેશો સામૂહિક રીતે વૈશ્વિક જીડીપીના 85 ટકા, આંતરરાષ્ટ્રીય વેપારના 75 ટકા અને વિશ્વની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે. આ બેઠકોમાં દરિયાઇ સુરક્ષા, શિક્ષણ, વાણિજ્ય, કૌશલ્યની ઓળખ, સંસ્કૃતિ અને પર્યટન, આબોહવા ધિરાણ, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, ગ્રીન હાઇડ્રોજન, આપત્તિના જોખમમાં ઘટાડો અને સ્થિતિસ્થાપકતા, વિકાસ સહકાર, આર્થિક ગુના અને બહુપક્ષીયવાદ સહિતના મુદાની ચર્ચા કેન્દ્રમાં રહેશે.