ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલ, લાયબ્રેરી અને સાયન્સ- સ્પોર્ટ્સ સેન્ટરનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી: મહાનગરો માં ૭૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલ્ડ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગોંડલમા વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યુ કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમા શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓ ની ટિમ ને જન ભાગીદારી થી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામો ના આયોજન ની પ્રેરણા આપતા કહ્યું કે રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓ ને મદદ સહયોગ કરશે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી.
ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમા જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાતના આગેવાની લઇ રહ્યુ છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.
આ સંદર્ભમા મુખ્યમંત્રીએ વધુમા કહયુ કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ૮ સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામા આવશે. મહાનગરોમા ગટરનુ પાણીનુ રીસાયકલીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમા તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામા આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ. મહાનગરોનુ ૭૦ ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુન: ઉપયોગ થાય તે દિશામા હાથ ધરાશે.
મુખ્યમંત્રીએ ગોંડલ ના રાજવી શ્રી ભગવતસિંહજી અને વડોદરા રાજ્યના સયાજીરાવને યાદ કરી કહ્યુ કે, તેમની પ્રજા વત્સલ્તા અને પ્રજાભિમુખ વહીવટ પ્રેરણાદાયી રહ્યા છે. નગરોની આ પુન: સાંસ્કૃતિક ધરોહર રાજ્ય સરકાર સ્થાપિત કરશે. નગરોમા સાયન્સ સેન્ટર, લાયબ્રેરી, સ્પોર્ટસ સંકુલ, સ્વીમીંગ પુલ, હેલ્થ સેન્ટરો, બાગ બગિચા અને મનોરંજન સાથે જ્ઞાનરૂપી શિક્ષણ આ બધુ કાર્યરત કરીને રાજ્ય સરકાર તંદુરસ્ત સમાજનુ નિર્માણ થાય તે માટે આગળ વધી રહી છે. ગોંડલમા વિકાસ કાર્યો માટે હજુ પણ આંતરિક માર્ગોના નવિનીકરણના કાર્યો હાથ ધરાશે. પાણીના કામો આગળ વધી રહ્યા છે તેમ જણાવી ગોંડલની આ વિકાસ યાત્રામા સહભાગી બનવા આહ્વાન કર્યુ હતુ.
મુખ્યમંત્રીએ ગુજરાતની ૧૬૨ નગરપાલિકાઓમાં સાંસ્કૃતિ ધરોહર સાથે જન સેવાના તમામ કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાણાના અભાવે એક પણ કામ નહીં અટકે તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ જન આરોગ્ય, કુપોષણ મુક્તિ, શિક્ષણ, તંદુરસ્ત સમાજ નિર્માણ સાથે સામાજિક સમરસતા થકી વિકાસની વાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમજ કાર્યક્રમમા ઉપસ્થિત સૌ આગેવાનો અને નગરજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત નિહાળી વડાપ્રધાનશ્રીએ આપેલ જળ શક્તિ, યોગ થકી તંદુરસ્ત સમાજનુ નિર્માણ અને સ્વચ્છતા અભિયાન અંગેના માર્ગદર્શન પ્રમાણે સહિયારા પ્રયાશોથી ગુજરાતનો વિકાસ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગોંડલમા ૫૪૪ સીટ ધરાવતા સંપુર્ણ વાતાનુકુલીત રૂ. ૫.૩૦ કરોડના ખર્ચે ટાઉન હોલ પુન: નિર્માણ, રૂ. ૩ કરોડના ખર્ચે સાયન્સ સ્પોર્ટસ સેન્ટર અને લાયબ્રેરીનુ લોકાર્પણ કર્યુ હતુ.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કહ્યુ કે, રાજ્ય સરકાર લોક ભાગીદારી વચ્ચે વિકાસના કામોને આગળ ધપાવી રહી છે. ખેડૂતો, મહિલાઓ, બાળકો, વેપારીઓ અને સમાજના દરેક વર્ગોનુ કલ્યાણ થાય તે માટે અનેક યોજના અમલમા મુકી છે. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના વિસ્તારમા વિકાસના સર્વાંગી કામો માટે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેનાથી ફળદાયી પરિણામ મળશે અને શહેરો વધુ સમૃધ થશે તેમ જણાવ્યુ હતુ. ગોંડલમા આજના કામોના લોકાર્પણથી વિકાસનુ વધુ એક મોરપીંછ ઉમેરાયુ છે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે ગોંડલના પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહભાઇ જાડેજાએ કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગોંડલના વિકાસ માટે હંમેશા તત્પરતા દાખવી છે અને બોલ્યુ પાળ્યુ છે. ગોંડલમા નર્મદાના નીર હોય કે ટાઉન હોલના પુન: નિર્માણ માટે પેકેજ આ બધા જ કામો માટે મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ દાખવી કામો કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ભૂતકાળ બને તે માટે જે કામો કર્યા છે તેમણે બિરદાવ્યા હતા.
પોરબંદરના સાસંદશ્રી રમેશભાઇ ધડુકે કહ્યુ કે, રાજ્ય સરકાર ગામડાઓમા અને નગરોમા જન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અથાગ પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ શહેરોને સ્માર્ટ સીટી બનાવી રહી છે તેમા રાજ્ય સરકારની પણ ભાગીદારી છે. મુખ્યમંત્રીશ્રીના જ્યા જન ત્યા સુવિધાના અભિગમને તેઓએ આવકાર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા, અગ્રણીશ્રી જયંતિભાઇ ઢોલ, શ્રી ડી.કે.સખિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ નગરપાલિકાના પ્રમુખશ્રી અશોકભાઇ પીપળીયાએ કરી હતી.