આગામી બે વર્ષ સુધી સરદાર સરોવર ડેમમાં પાણી નહીં ખૂટે
ડેમ સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે છલકાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મા નર્મદાના નીરના ઇ-વધામણાં પૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. મા નર્મદાના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારતના વડાપ્રધાનશ નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.
તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ સુધી યુપીએની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી પણ નરેન્દ્રભાઇ મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી.