29 પ્રકારની રમતો, 30 કરોડના ઈનામો: દિવ્યાંગો માટે સ્પે. ખેલ મહાકુંભ
અબતક,રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા યોજાનારા ખેલમહાકુંભ 2022 માટે રજીસ્ટ્રેશનનો આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શકિત ગ્રીન્સ એન્ડ ક્ધવેશન સેન્ટરથી શુભારંભ કરાવશે ખેલ મહાકુંભમાં 30 કરોડના ઈનામોથી વિજેતા ખેલાડીઓને નવાજવામાં આવશે. અલગઅલગ 29 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવ્યાંગો ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજેે સાંજે 7.30 કલાકે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ-2022નો શુભારંભ કાર્યક્રમ યોજાશે, જેનું તમામ જિલ્લા મથકો ખાતે ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના મુખ્ય અતિથિપદે શક્તિ ગ્રીન્સ એન્ડ ક્ધવેશન સેન્ટર, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમ રમશે ગુજરાત-જીતશે ગુજરાત અંર્તગત રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.ડી.ભટ્ટ, રમત-મગત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ના સચિવ અશ્વિનીકુમારના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. ગુજરાતનું નામ રોશન કરનાર જાણીતા ખેલાડીઓ ભાવિના પટેલ, અંકિતા રૈના, પારુલ પરમાર, સોનલ પટેલ, મીના પટેલ, ઇલાવેનીલ, હરમીત દેસાઈ, તસનીમ મીર, સરિતા ગાયકવાડ, માનવ ઠક્કર, ઝીલ દેસાઈ, દેવ જાવીયા, મુરલી ગાવિત, અજીત કુમાર યાદવ, અનુષ્કા પરીખ વગેરેની સ્પોર્ટસ કેરીયરમાં ખેલ મહાકુંભનું મહત્વનું યોગદાન રહયું છે.