સ્વર્ગસ્થ અરૂણ જેટલીને ગુજરાત સાથે ગાઢ આત્મીય સંબંધો હતા: રાજુભાઈ ધ્રુવ

દેશના પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો ગુજરાત સાથે અનેરો નાતો રહ્યો છે. જેટલીજીનાં આ જ ગુજરાત પ્રેમને લઈ તેમના પરિવાર અને મિત્રો દ્વારા ૫ સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે હૃદયાંજલી આપવામાં આવશે એ અવસરે ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, તા, ૬ સપ્ટેમ્બરનાં રોજ સાંસદ તરીકે સ્વર્ગસ્થ અરૂણ જેટલીજીએ દત્તક લીધેલા ગામ કરનાળીના સોમનાથ ઘાટ પર નર્મદામાં દૈહિક સ્મૃતિનાં અંતિમ અંશનું વિસર્જન તેમજ સતકર્મ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ ગત ઓગસ્ટ મહીનામાં સુષ્મા સ્વરાજજી પછી બીજા એક દિગ્ગજ નેતા અરૂણ જેટલીજીને ગુમાવ્યા છે. અરૂણ જેટલીજીનો ગુજરાત પ્રત્યેનો નાતો ખૂબ જૂનો રહ્યો છે. અરૂણ જેટલીજી જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે પત્રકાર પરિષદમાં તેમને મળવાનું થતું. દિલ્હી ખાતે પણ લૌદી ગાર્ડન ખાતે તેઓ મળી જતા ત્યારે ખબરઅંતર પૂછતાં. તેઓ મળતાવડા અને માયાળું સ્વભાવનાં હતા. જ્યારે પણ મળતા ત્યારે રાજકોટ અને તેમના લોકો વિશે પૂછતાં રહેતા. તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે ખૂબ જ લાગણી હતી.

અરૂણજીનાં જવાથી ગુજરાતે એક પ્રભાવી મિત્ર ગુમાવ્યાં છે, ભારતે એક વિદ્વાન નેતૃત્વ ગુમાવ્યું છે અને ભાજપે એક પોલીસી મેકર અને શ્રેષ્ઠ- પ્રખર વક્તા ગુમાવ્યાં છે.  અરૂણજીની બહુમુખી પ્રતિભાની ખોટ કયારેય પૂરી ન થઈ શકે. અરૂણ જેટલી ગુજરાતમાંથી ૪ ટર્મ સુધી રાજ્યસભાનાં સાંસદ રહ્યાં હતા. ગુજરાતનાં હીત અને વિકાસનાં મોડેલને તેમણે દેશ-વિદેશમાં બખૂબી રીતે રજૂ કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ રજૂ કરેલ આદર્શ ગ્રામની કલ્પનાને સાકાર કરવા અરૂણ જેટલીજી દ્વારા ગુજરાતના વડોદરા નજીક આવેલ ચાંદોદ-કરનાળી ગામને દત્તક લીધું હતું. આ ગામની આસપાસના બગલીપુરા, પીપળીયા, અને વળીયા ગામમાં પણ વિકાસનાં કામો તેમના દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા.

રાજુભાઈ ધ્રુવે અરૂણ જેટલીજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપતાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આર્થિક નીતિઓ સફળ બનાવવામાં નાણાંપ્રધાન અરૂણ જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નાણાકીય ક્ષેત્રનાં સુધારામાં અરૂણ જેટલીનો ફાળો હંમેશા યાદ રહેશે. આયુષ્માન ભારત યોજનાના અમલીકરણમાં પણ જેટલીજીની બહું મોટી ભૂમિકા હતી. કાયદા ક્ષેત્રનાં જ્ઞાન અને નિષ્ણાંત વિષયક વાત કરવામાં આવશે ત્યારે પણ અરૂણ જેટલીજીને અચૂક યાદ કરવામાં આવશે. અરૂણ જેટલીજી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનાં ખાસ અંગત મિત્ર હતા. જેટલીજીએ અને મોદીજીએ સાથે મળી ગુજરાત અને ભારતનાં વિકાસ માટે અનેક યોજનાઓ ઘડી હતી

અને લોકકલ્યાણની ઘણી બધી યોજનાઓનો અમલ શક્ય બનાવ્યો હતો. કેન્દ્રમાં તેઓ સરકાર માં મોદીજી ના અને સંગઠન માં અમિતભાઈ શાહનાં વિશ્વસનીય સાથી બની રહ્યાં. અરૂણ જેટલીજીની વિદાયથી માત્ર ભાજપ જ નહીં ભારત અને ગુજરાતને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. એક પરમ શુભચિંતક  હિતેચ્છુનાં ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કરી શકાય તેમ નથી એવું રાજુભાઈ ધ્રુવે ભાવપૂર્ણશ્રદ્ધાંજલિ આપતા  જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.