સોલાર પોલિસી ૨૦૨૧ જાહેર
ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ ઘટાડીને તેને વેગ આપવાનો રાજ્ય સરકારનો વ્યૂહ: પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે નવી પોલિસી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સોલાર પાવર પોલિસી ૨૦૨૧ની જાહેરાત કરી છે. સોલાર પાવર પોલિસી-૨૦૨૧ પાંચ વર્ષ સુધીની રહેવાની છે અને આ પોલિસીથી રાજ્યના ઉદ્યોગોને ફાયદા હી ફાયદા રહેશે. નવી પોલીસીથી સૌર ઊર્જા પાવર કોસ્ટ અડધી થઈ જવાની છે. આમ ઉદ્યોગોની પ્રોડક્શન કોસ્ટ ઘટાડીને તેને વેગ આપવાનો રાજ્ય સરકારનો વ્યૂહ નવી પોલિસીમાં દર્શાય રહ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ હબ બન્યું છે. ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી ૨૦૨૧ ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે હંમેશા પોલિસી આધારિત વહીવટી કાર્યદક્ષિતા વધારી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ બેસ્ટ ડેસ્ટીનેશન સ્ટેટ બન્યું છે. વધુને વધુ ઈન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. પોલિસીથી નાના અને મોટા ઉદ્યોગકારોની ગુજરાતમાં પાવર કોસ્ટ નીચે આવશે. હાલ ૮ રૂપિયા પર યુનિટ વીજળી મળે છે. સોલાર પાવરમાં પોલિસીને ઓપન કરી છે. નવી પોલિસીમાં પાવર કોસ્ટ ૪.૫ રૂપિયાની આસપાસ આવશે. નવી પોલિસીથી પ્રોડક્શન કોસ્ટ ઘટશે.
ગુજરાતના ઉદ્યોગો વૈશ્ર્વિક હરીફાઈમાં આગળ રહેશે
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રોડક્શન કોસ્ટ નીચી આવતા ગુજરાતના ઉદ્યોગો દુનિયાભરમાં કોમ્પિટિશનમાં સારી રીતે આગળ રહી શકશે. જેથી આગામી દિવસોમાં મેડ ઈન ગુજરાત વિશ્વભરમાં છવાઈ જશે. આપણી પાસે સ્કીલ છે. ક્વોલિટીમાં દુનિયાભરમાં ટક્કર લઈ શકીએ છીએ. સવાલ માત્ર કોસ્ટીંગની હતી. ચીન ઓછા ભાવને કારણે દુનિયાભરમાં પોતાનો માલ વેચી શકે છે. તેથી ચીનને ટક્કર આપવા પાવર કોસ્ટને ઘટાડી છે.
રોજગારીમાં પણ વધારો થશે
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રોડક્શન કોસ્ટ નીચી આવતા વૈશ્વિક બજારમાં ગુજરાતના ઉદ્યોગો છવાઈ જવાના છે. હાલ ચીન અનેક ઉદ્યોગોમાં વૈશ્વિક ક્ષેત્રે છવાયેલો છે. તેના કરતા પણ વધુ ગુજરાતના ઉદ્યોગો પોતાનો દબદબો બનાવી શકશે. પ્રોડક્ટની માંગ વધશે એટલે પ્રોડક્શન પણ વધારવું પડશે અને ઉદ્યોગોમાં કામદારોની સંખ્યા પણ વધારવી પડશે એટલે રાજ્યમાં રોજગારીની નવી તકોનું પણ વિપુલ સર્જન થશે.