ચરસ અને ગાંજા સાથે પકડાયેલા શખ્સોની નવા કાયદાનુસાર મિલકત જપ્તીની કાર્યવાહી કરાશે: ૧૭ વર્ષના બાળ અપરાધીને પુખ્ત ગણવા કોર્ટને રિપોર્ટ
શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ચારની પોલીસે ધરપકડ કર્યા અંગેની વિગતો આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતને ઉડતા પંજાબ નહીં બનાવા દેવાય અને ઝડપાયેલા તમામ શખ્સોની મિલકત જપ્ત કરવા તેમજ સગીર શખ્સને પુખ્ત ગણવા નવા કાયદાનુસાર કોર્ટમાં રિપોર્ટ આપ્યા અંગેનું જણાવ્યું હતું.
જંગલેશ્વરના મદીના ઉસ્માન જુણેજા, તેના પતિ ઉસ્માન લઘર જુણેજા, તેની પુત્રી અફશાના સલીમ કયડા અને ૧૭ વર્ષના બાળ અપરાધીને રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે ધરપકડ કરી તેની પાસેથી ૧ રિવોલ્વર મળી આવતા ચારેય સામે આર્મ્સ એકટ અંગેનો અલગ ગુનો નોંધાયો હતો.મદીના ગાંજાનો ધંધો ઘણા લાંબા સમયથી કરતી હોવાનું અને તેની માતા અમીના પણ તાજેતરમાં જ સવા કિલો ગાંજા સાથે ઝડપાઈ હોવાનું તેમજ તેનો પુત્ર નવાઝ શરીફ જામનગર જેલમાં નાર્કોટીકસના ગુનામાં હોવાનું જણાવ્યું હતું. ગાંજાનો જથ્થો બાય રોડ સુરતથી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યાનું પોલીસ કમિશનરે જણાવ્યું.
ચરસ અને ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોએ ગોરખધંધાના આધારે જ મિલકત વસાવી હોવાથી તમામની મિલકત જપ્ત કરવાની તેમજ તાજેતરમાં જ સગીર આરોપી સંગીન ગુનો આચરે ત્યારે તે ૧૬ વર્ષનો હોય તો પણ પુખ્ત ગણવા અંગેની કાયદામાં થયેલા સુધારા અંતર્ગત ગાંજા સાથે ઝડપાયેલા ૧૭ વર્ષના કિશોરને સગીર નહીં પણ પુખ્ત ગણી કાર્યવાહી કરવા અંગે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.ગુજરાત પાકિસ્તાનની બોર્ડરે આવેલું રાજય હોવાથી ચરસ અને ગાંજાનો જથ્થો પાકિસ્તાનથી ઘુસાડવામાં આવતો હોવા અંગે પુછાયેલા પ્રશ્નોનો જવાબમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ચરસનો જથ્થો કાશ્મીરથી અને ગાંજાનો જથ્થો સુરતથી આવ્યો હોવાનું ખુલ્યું છે. આમ છતાં ગુજરાત ઉડતા પંજાબ ન બને તે માટે પુરતી તકેદારી રાખવા સુરક્ષા સેતુ હેઠળ શાળા અને કોલેજ ખાતે યુવાનો વ્યસનથી દૂર રહે તે અંગેની વિવિધ પોઝિટીવ કાર્યક્રમો યોજવાનું પણ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.
મદીના રૂ.૩ હજારની એક કિલો ગાંજો લાવી સૌરાષ્ટ્રમાં ૭ થી ૮ હજારનો વેંચતી હોવાનું બહાર આવ્યું છે. તેણી પાસેથી ગાંજો ખરીદનાર શખ્સોની પણ પુછપરછ કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પિસ્તોલ પોતાનો પુત્ર નવાઝ લાવ્યો હોવાની કબુલાત આપતા તે હાલ જામનગર જેલમાં હોવા છતાં તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું.