મહારાષ્ટ્રની તર્જ પર નવી પોલીસી ઘડાશે
બિલ્ડીંગ કે કોમ્પલેક્ષના રિ-ડેવલપમેન્ટ માટે ૬૦ થી ૭૦ ટકા સભ્યોની મંજૂરી જરૂરી રહેશે
હાઉસીંગ સેકટરને બુસ્ટર ડોઝ આપવા રાજય સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. લો-રાઈઝ અને બિસ્માર હાઉસીંગ સોસાયટીઓ તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષના રિ-ડેવલોપમેન્ટમાં અનેક વાંધા વચકા પડતા હોય છે જેથી સરકારે મહારાષ્ટ્રના કાયદાની તર્જ પર રિ-ડેવલોપમેન્ટ પોલીસી ઘડી કાઢી છે. જેના હેઠળ બિલ્ડીંગ કે કોમ્પલેક્ષના ૬૦ થી ૭૦ ટકા સભ્યોની રિ-ડેવલોપમેન્ટ માટે તૈયાર હશે તો મંજૂરી સરળતાથી મળી જશે.
ઘણી વખત રિ-ડેવલોપમેન્ટ માટે બિલ્ડીંગ કે કોમ્પલેક્ષના કેટલાક સભ્યોની આડોડાઈના કારણે હાલાકી પડતી હોય છે. આવા કેસ ઘણી વખત કાયદાકીય લડાઈમાં ફેરવાઈ જાય છે. પરિણામે લાંબા સમય સુધી રિ-ડેવલોપમેન્ટ અટકી પડે છે ત્યારે સરકાર ગુજરાત ઓનરશીપ ફલેટસ એકટ ૧૯૭૩ અને જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર)માં મહદઅંશે ફેરફાર કરશે. હાલના આ કાયદા અનુસાર રિ-ડેવલોપમેન્ટ માટે સોએ સો ટકા સોસાયટી સભ્યોની મંજૂરી જરૂરી છે. જેના સ્થાને હવેથી માત્ર ૬૦ થી ૭૦ સભ્યો તૈયાર હશે તો પણ રિ-ડેવલોપમેન્ટને મંજૂરી મળી જશે.
સરકારની નવી પોલીસી હાઈરાઈઝને બુસ્ટર ડોઝ આપવા માટે છે. મેટ્રો શહેરો, બીઆરટીએસ કોરીડોર અને એર્ફોડેબલ હાઉસીંગનો સરળતાથી વિકાસ થાય તે માટે સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યાનુસાર મેટ્રો અને બીઆરટીએસ જેવા ટ્રાન્સીટ પ્રોજેકટ ત્યારે જ પરવડે જયારે મહત્તમ મુસાફરો મળે. સરકારની રિ-ડેવલોપમેન્ટ પોલીસીથી ટ્રાન્સઝીટ કોરીડોરની આસપાસ હાઈરાઈઝ ઈમારતોને પ્રોત્સાહન મળશે. એકંદરે શહેરનો વિકાસ ઝડપી થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ હેઠળ બનાવાયેલી સોસાયટીઓને વર્ષ ૨૦૧૫માં રિ-ડેવલોપમેન્ટ પોલીસી હેઠળ આવરી લીધી હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ દશકાઓ જૂની છે. સરકારની આ પોલીસી અત્યાર સુધી અંધારામાં હતી. સૂત્રોના મત અનુસાર મહારાષ્ટ્રમાં રિ-ડેવલોપમેન્ટ લો હેઠળ ૧૧ ફલેટ ધરાવતી પુરાણી સોસાયટીઓમાં ૫૧ ટકા સભ્યોની મંજૂરી હોય તો રિ-ડેવલોપમેન્ટ થઈ શકે છે. હાલ રાજય સરકારમાં ૭૦ ટકા સભ્યોની મંજૂરી મામલે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.
એક એવો મત પણ છે કે, રિ-ડેવલોપમેન્ટ પોલીસીને સફળતા અપાવવા માટે જીએસટી અને સ્ટેમ્પ ડયૂટીમાં મળતી રાહતો લોકો સુધી પહોંચાડવી પડશે. જો જીએસટી અને સ્ટેમ્પ ડયૂટીનો બોજ લોકોને પડશે તો રિ-ડેવલોપમેન્ટ મોંઘુ થશે. ગુજરાત ઈન્સ્ટિટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલોપમેન્ટ (જીઆઈએચઈડી)ના પ્રમુખ આશીષ પટેલના જણાવ્યાનુસાર અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં રિ-ડેવલોપમેન્ટ હેઠળ ૩૦૦થી વધુ પ્રોજેકટને આવરી લેવામાં આવશે.