અબતક, રાજકોટ

કોરોનાનો કહેર ઘટતા રાજય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણી થરા અને ઓખા નગરપાલિકાની ચુંટણી, ભાણવડ નગરપાલિકાની મઘ્યસત્ર ચૂંટણી અને પ્રસંગોપાત ખાલી પડેલી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો માટેની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. ગઇકાલથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જવા પામી છે. આગામી સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે. ૩ ઓકટોબરે મતદાન અને પ ઓકટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

રાજય ચૂંટણી પંચ દ્વારા ગત ૧૯મી માર્ચના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે સાંજે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાપાલિકા ઉપરાંત નગરપાલિકાઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે તારીખોનું એલાન કર્યુ છે.

ગાંંધીનગર મહાપાલિકા ઉપરાંત થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચુઁટણી યોજાશે જયારે ભાણવડ નગરપાલિકાની મઘ્યસત્ર ચૂંટણી ઉપરાંત મહાપાલિકા, જીલ્લા પંચાયત અને પાલિકાની ખાલી પડેલી જગ્યાઓ માટે પણ મતદાન યોજાશે. ચૂઁટણીનું જાહેરનામું આગામી ૧૩મી સપ્ટેમ્બરના રોજ પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૮ સપ્ટેમ્બર નિયત કરવામાં આવી છે. ર૦મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. અને ર૧મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ૩ ઓકટોબરના રોજ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે પુન: મતદાન કરવાની જરુરીયાત ચોથી ઓકટોબરે કરાશે અને પાંચમી ઓકટોબરના રોજ મત ગણતરી યોજાશે. સમગ્ર ચૂંટણી  પ્રક્રિયા ૮મી ઓકટોબરના રોજ પૂર્ણ થશે.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત અમદાવાદ, જુનાગઢ મહાનગરપાલીકાની ત્રણ બેઠકો સામાન્ય ચૂંટણી, બનાસકાંઠા જીલ્લાની થરા નગરપાલિકા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ભાણવડ નગરપાલિકાની મઘ્યસત્ર ચૂંટણી યોજાશે જયારે વડનગર, મહેસાણા, ભચાઉ, વલસાડ પાલિકાની ચાર બેઠકો, ઉમણામ, ગણદેવી, બિલીમોરા, ભરુચ, રાધનપુર, ચાણસ્મા, લીંબડી, દુધરેજ, વઢવાણ, લુણાવાડા પાલિકાની ત્રણ સિકકા, દ્વારકા, ખેડા પાલિકાની બે, ડાકોર પાલિકાની ચાર, મહેમદાવાદ, બાબરા, બારેજા, ધંધુકા, ઉપલેટા, માણસા, વિસાવદર, માણાવદર, તળાજા, ધનેરા તરસાડી અને મોડાસા પાલિકાની ૪૫ બેઠકોની પેટા ચુંટણી યોજાશે.

જયારે નવસારી, તાપી, રાજકોટ, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને ગીર સોમનાથ જીલ્લાની આઠ બેઠકો માટે પણ પેટા ચુંટણીનું મતદાન યોજાશે. આ ઉપરાંત આણંદ, મહેસાણા, દસકોઇ, સતુલાસણા, ખેરાલુ, રાધનપુર, હારીજ, વ્યારા, ડોલવાણ, સોનગઢ, નિઝર, વિસાવદર, દ્વારકા, દાતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ગાંધીનગર, ભિલોડા, બાયડ, ગરબાડા, દાહોદ, દેવગઢ બારીયા, ભાવનગર (ગ્રામ્ય), મોરબી, હળવદ, પ્રંતિજ, હિમંતનગર, વડોદરા, સાવલી, ભરુચ, નડિયાદ, માતર, ખેડા, વાંસદા, માંડવી, લુણાવાડા, બાલાસિનોર, અમરેલી અને ગોધરા તાલુકા પંચાયતની ખાલી પડેલી ૪૭ બેઠકો માટે પેટા ચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.