Gujarat 9 Metropolitan Municipality : રાજ્યને મળશે વધુ 9 મહાપાલિકા, 25 ડિસેમ્બરે થશે વિધિવત જાહેરાત, રાજ્યમાં હવે 17 મહાપાલિકા હશે
ગુજરાતમાં A વર્ગ ધરાવતી નવ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાશે. આ કારણોસર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં ય વધારો થશે. રાજ્ય સરકાર 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઇ રહી છે. આ દિવસે નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઇ રહી છે.
રાજ્યમાં વધુ 9 મહાપાલિકાનો ઉમેરો થશે. જેમાં નવસારી, વાપી, મહેસાણાને મહાપાલિકાનો દરજ્જો મળશે તો નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળશે. આ સાથે પોરબંદર અને આણંદ પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે. આગામી 25 ડિસેમ્બરે આ સુશાસન દિવસે આ અંગે વિધિવત જાહેરાત થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે.
મહેસાણા-નડિયાદ સહિતના શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે
વિધાનસભામાં રાજ્ય સરકારે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ ત્યારે જાહેરાત કરાઇ હતી કે, સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે જેના ભાગરૂપે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. એક તરફ, ચૂંટણી પંચ પાલિકાની ચૂંટણીઓ યોજવા સજ્જ થઇ રહ્યુ છે ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તૈયારીઓ આદરી છે. સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની હતી પણ જો નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણો બધો બદલાવ આવી શકે છે કેમ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
25 ડિસેમ્બરે નવ પાલિકાને મહાનગરપાલિકાનો મળશે દરજ્જો
ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જો આ જ દિવસે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
એ વર્ગની નવ પાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાથી જે તે ભૌગોલિક વિસ્તારમાં વિકાસ થશે. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાયમાં પણ નોંધપાત્ર વધારો થશે.