- વધારાનું 1.41 મીલીયન એકર ફીટ પાણી મળશે: 17.92 લાખ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે
Gujarat News
ચાલુ વર્ષે રાજ્યને મળવા પાત્ર 9 મીલીયન એકર ફીટની જગ્યાએ 10.41 મીલીયન એકર ફીટ એટલે કે વધારાનું 1.41 મીલીયન એકર ફીટ નર્મદાનું પાણી મળશે. ગુજરાતના 17.92 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતની સમૃધ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઈ જળવિદ્યુત ઉત્પાદન, પીવા પાણી અને ઔદ્યોગિક વપરાશ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.
નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ચાલુ વોટર વર્ષમાં રાજ્યને માળવા પાત્ર 9 મીલીયન એકર ફીટની જગ્યાએ 10.41 મીલીયન એકર ફીટ એટલે કે 1.41 મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાની જોગવાઇ કરી છે. જેનાથી ગુજરાતના 17.92 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ, ગુજરાતની પ્રજાની પીવાની પાણીની જરૂરીયાતમાંથી 80 ટકા જેટલી જરૂરીયાત નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે. જેમાં 7 મહાનગરો, 199 નગરો તથા 11,951 ગામોનો સમાવેશ થાય છે. પાકને બચાવવા માટે જેટલું ઓછામાં ઓછું પાણી જરૂરી હોય તેટલું જ પાણી આપી શકાય તે માટે પ્રોટેકટીવ ઈરીગેશન યોજના અમલી છે. જેના કારણે જે જમીન અગાઉ માત્ર એક જ પાક આપી શકતી હતી. વરસાદી ખેતી આધારીત તે જ જમીન આજે બે નિશ્ચિત પાક આપતી થઈ છે.
નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે. નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં 1133 ઘનમીટર પ્રતિ સેક્ધડની વહનક્ષમતા ધરાવનારી 458 કિ.મી લાંબી છે જે એક મોટી નદી જેટલી છે તેનું કામ લગભગ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ આ વર્ષની વિગતો આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ 17.21 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર-પ્રશાખા નહેર (સબ-માઈનોર નહેર) સુધી 15.53 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે. માર્ચ-2024 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2024-25 દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન છે.
મંત્રીએ નર્મદા યોજનાનો સંપૂર્ણ લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટેનો રોડમેપ રજૂ કરતા ઉમેર્યુ હતુ કે, નર્મદા યોજના વિશ્ર્વની સૌથી વિશાળ યોજનાઓ પૈકીની એક છે. આ યોજનાના સુનિયોજીત આયોજન સાથેના સંચાલન માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે.
વડાપ્રધાને આપેલા (પર ડ્રોપ મોર કોપ)ના મંત્ર થી પ્રેરણા લઈ નહેરોની વહનક્ષમતા સુધારી (વોટર લોસીસ) ઓછા કરી વધુમાં વધુ વિસ્તાર સુધી નહેરોનું પાણી પહોંચે તેનો એક પાયલટ પ્રોજેકટનો પ્રથમ તબક્કો બનાસકાંઠામાં ગત વર્ષે પૂર્ણ થયો છે.
ચાલુ વર્ષે તેનાથી બનાસકાંઠામાં 21% જેટલો વધુ વિસ્તાર સિંચાઈ મેળવી શક્યો છે જેના સાક્ષી થરાદ, વાવ અને સૂઈ ગામના ખેડૂતો છે.
આ બજેટમાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લાના લગભગ 5 લાખ હેકટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી નહેરોનું માળખું સુવ્યવસ્થિત કરી તેની વહનક્ષમતામાં સુધારો કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કર્યા છે. પાણીના ટીપે ટીપાનો જવાબદારી સાથે ઉપયોગ થાય તે માટે નહેરોના માળખાને અત્યાધુનિક ફ્લોમીટરથી સજ્જ કરવાની કામગીરી પણ ચાલુ વર્ષે પ્રારંભ થનાર છે.