રાજયમાં સિકયુરીટી એકેડમી સ્થાપવા ઈઝરાયલની પેઢીની તૈયારી
એક પેઢીએ દેશમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂર બનાવવા માટે ગુજરાતની પસંદગી કરી છે
ઈઝરાયલની સુરક્ષા પેઢીએ ગુજરાતમાં સિકયુરીટી એકેડમી સ્થાપવાની તૈયારી કરી છે. અગાઉ ગુજરાતમાં ફોરેન્સીક યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવાયા બાદ આ નિર્ણય દેશની સુરક્ષા માટે મહત્વનો બની જશે. હાલ ફોરેન્સીક યુનિવર્સિટીનો લાભ પાકિસ્તાન, શ્રીલંકા સહિતના દેશો લે છે. ભારતમાં થયેલા ૨૬/૧૧ હુમલા તેમજ અન્ય ગમખ્વાર ઘટનાઓના કેસની તપાસ ફોરેન્સીક યુનિવર્સિટીના માધ્યમથી થઈ હતી. ત્યારે ઈઝરાયલની સુરક્ષા પેઢીએ ગુજરાતમાં જ સિકયુરીટી એજન્સી સ્થાપવાનો નિર્ણય કરતા હવે ગુજરાત દેશની સુરક્ષાનું હબ બનવા જઈ રહ્યું હોવાની વાત નિશ્ર્ચિત છે.
તાજેતરમાં ઈઝરાયલથી આવેલા ડેલીગેશને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે બેઠક કરી હતી. એક પેઢીએ દેશમાં સુરક્ષા-વ્યવસ્થાને મજબૂર બનાવવા માટે ગુજરાતની પસંદગી કરી છે. આ કંપની સિકયુરીટી એકેડમી સ્થાપી વિવિધ કોર્ષ જેવા કે, ઓફિસર, સિકયુરીટી, જનરલ સિકયુરીટી, વીઆઈપી પ્રોટેકશન, પોર્ટ સિકયુરીટી, સાયબર સિકયુરીટી અને ટેકનોલોજી સિકયુરીટી સહિતની સુરક્ષાઓ પૂરી પાડશે.ગુજરાત દેશનું સુરક્ષા માટેનું હબ બનતું જાય છે. માટે ફોરેન્સીક યુનિવર્સિટી તેમજ હવે સિકયુરીટી એકેડમીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બન્ને મહત્વના નિર્ણય ખાનગી ક્ષેત્રને પણ બહોળી તક આપશે તે નકકી છે.