ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આણંદ શહેરમાં અટલજીની કાંસ્ય પ્રતિમાના અનાવરણ સહિત રૂ.૪૨ કરોડથી વધુના વિવિધ વિકાસ કામો ઈ-લોકાર્પણ કરાયું
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે આણંદ ઇઝ ઓફ લિવિંગ શહેર એટલે કે રહેવા લાયક-માણવા લાયક શહેર બની રહે તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરીએ. આગામી સમયમાં નલ સે જલ અભિયાન અંતર્ગત આણંદ સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં નળ દ્વારા ૧૦૦ ટકા પીવાનું ફિલ્ટર-શુદ્ધ પાણી આપીને ગુજરાતને હેન્ડપંપ મુક્ત બનાવાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરપાલિકાના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આણંદ શહેરમાં રૂ.૫૫ લાખથી વધુના ખર્ચે તૈયાર કરેલી અટલજીની પૂર્ણ કદની કાસ્ય પ્રતિમાનું અનાવરણ, રૂ. ૪૦ કરોડથી વધુના ખર્ચે અમૃત યોજના હેઠળ બે જઝઙ પ્લાન્ટ અને રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભારતરત્ન અટલજીએ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં ગુડ ગવર્નન્સ એટલે ભારતમાં સ્વરાજથી સુરાજ્યની પહેલ કરીને વિકાસની નવી દિશા આપી હતી. અટલજીનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત હતું. પૂર્વ વડાપ્રધાન અટલજીની કવિતાઓ અને સંસદના તેમના વ્યક્તવ્યો-ભાષણ આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યુ છે ત્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શક્યા છીએ. ગુજરાતમાં પણ વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં રિકવરી રેટ ૮૭ ટકા જ્યારે મૃત્યુદર ૭ ટકાથી ઘટીને ૨.૫ ટકા થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટિંગ પૂર્ણ કરાયા છે. ગુજરાતે કોરોના કાળમાં પણ વિકાસને અટકવા દીધો નથી. છેલ્લા ત્રણ મહિનામાં રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસ કામો પૂર્ણ કરીને ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધારી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોની તક્તિનું ઇ-અનાવરણ કરવામાં આવ્યું હતું. આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે આણંદ ખાતે સાંસદ મિતેષભાઇ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ, આણંદ જિલ્લા કલેક્ટર, નગરપાલિકાના ઉપપ્રમુખ અમીબેન, આણંદ શહેર ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.