વિકાસની સાથે વિનાશ વરાયેલું છે…
રાજ્યમાં 4605 જેટલાં ઔદ્યોગિક એકમો પર્યાવરણના નિયમો અનુસરતી નથી!!
રાજ્યમાં પ્રદૂષણ અને પર્યાવરણ મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. લોકસભામાં અપાયેલી વિગત મુજબ ગુજરાતમાં 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના નિયમોને અનુસરતી નથી. જળ, વાયુ, ધરતી સહિત મોટા પ્રમાણમાં ગુજરાત પ્રદૂષિત થઈ રહ્યું છે. ગુજરાત સરકારે માત્ર 4 ફેક્ટરી ઉપર કાયદાકીય પગલાં લીધા છે. 965 ફેક્ટરી ઉપર શું પગલાં લેવા તે હજી નક્કી નથી કરી શક્યા. ગુજરાતની સાબરમતી, ભાદર જેવી અનેક નદીઓ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત છે. પ્રદૂષણથી લોકોને ગંભીર બીમારીઓ થઈ શકે છે.
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યની સરકાર પ્રદૂષણને ડામવામાં નિષ્ફળ રહી છે. લોકસભામાં પુછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓની વિગત આપી હતી. ગુજરાત રાજ્યમાં 33,486 રજિસ્ટર્ડ ફેક્ટરીઓ પૈકી 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીના આંકડાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
સમગ્ર દેશમાં 28,166 રજિસ્ટર્ડ ફેક્ટરી પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. ગુજરાત રાજ્યમાં 4 ફેક્ટરીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 313 ફેક્ટરીને કલોસરના આદેશ આપવામાં આવ્યા છે. 3323 ફેક્ટરીને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.