સલામ વોરિયર્સ: ગુજરાતને જગાડી, કોરોનાને ભગાડવામાં ડોક્ટર-નર્સ,
108 ટીમ સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો અનન્ય ફાળો
કોરોના દ્વારા છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, સરકાર, વૈજ્ઞાનિકો, ડોકટરો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સતત પ્રયાસમાં જુટાયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘાતકી સાબિત થયેલી બીજી લહેરના અંતનાં અણસાર દેખાઈ રહ્યા છે. ગુજરાત સહિત મોટાભાગના રાજયોમાં કેસ ઘટયા છે તો સામે રીકવરી રેટ ઘટયો છે. આ સ્થિતિમાં પણ ગુજરાત અવ્વલ નંબરે છે. ગુજરાતને જગાડી, કોરોનાને ભગાડવાના મહામારીના આ યુધ્ધમાં તંત્ર, ડોકટર-વૈજ્ઞાનિક તેમજ સમાજ શ્રેષ્ઠીઓ અને લોકોની જાગૃકતાનો તો સિંહફાળો છે જ પરંતુ આ કપરાકાળમાં જો કોઈનો અહમ અને જેનું કયારેય ઋણ ન ચૂકવી શકાય એવો ફાળો હોય તો તે છે આપણા કોરોના વોરિયર્સ ડોકટર-નર્સિંગ સ્ટાફ.
હોસ્પિટલ જ અમારું ઘર, સ્ટાફ અને દર્દીઓ જ અમારો પરિવાર: કોરોના વોરિયર્સ
ડોકટર દેવાના દૂત હોય છે. આ વાત આજે સાબિત થઈ રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં “પ્રાણ” પૂરવા ડોકટર નર્સિંગ સહિત 108 ટીમ અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ રાત-દિવસ મથી રહ્યા છે. સેવા ચાકરીમાં આ કોરોના વોરિયર્સ પણ મહામારીની ઝપેટમાં આવી ચૂકયા છે.છતાં પણ પોતાની જવાબદારી નિભાવવા અગ્રેસર રહ્યા છે. આ વોરિયર્સ પણ અંતે છે તો લોકો જ ને. ડોકટર-નર્સ, ઈમરજન્સી ટીમના પણ સગા સંબંધીઓ, ઘરના સભ્યો કોરોનાને કારણે મોતને ભેટયા છે. નજીકનાં સ્નેહીજનોને ગુમાવ્યા, પોતે પણ સંક્રમિત થયા છતા પણ હાર ન માની કોરોનાને જીતવા ન દેવાનું ઠાની સતત પ્રયત્નશીલ રહ્યા છે.
આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા કે સાંભળ્યા હશે કે જે તે હોસ્પિટલમાં, કોવિડ સેન્ટરમાં દર્દીઓની પરિવારની જેમ માવજત કરવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ, ડોકટર-નર્સ પોતાના હાથે દાખલ દર્દીઓને દવા પીવડાવતા હોય, જમાડતા હોય તેમજ વાળ ઓળવી દઈ ઘરના સભ્યો સાથે દરરોજ વીડીયો કોલમાં વાત કરાવતા હોય તેવા પણ ઘણા અહેવાલો પ્રકાશિત થયા છે. કોરોનાએ ડોકટર-નર્સ અને અજાણ્યા દર્દીઓ સાથે નવા સંબંધોની ડોર બાંધી દીધી હોય તેમ માવજત લે છે. આવા આપણા ગૌરવપૂર્ણ કોરોના વોરિયર્સએ દર્દીઓની સાથે નવા સંબંધોમાં પ્રાણપુરી ગુજરાતને જાગતુ કર્યું છે. અને કોરોનાને ભગાડવામાં મોટી મદદ કરી છે.