અબતક, રાજકોટ
કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો પરંતુ છેલ્લા થોડા અખવાડિયાથી વાયરસની ગતિ મંદ પડતા નવા કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધપાત્ર દરે વધી રહ્યો છે. વાયરસના બીજી લહેરના કહેરે એવો ડર પેસ્યો કે લોકો સફાળા જાગી ઉઠ્યા, થોડા-હળવા લક્ષણો જણાય કે તરત જ જાતે ઘેર બેઠાં ઉપચાર લેતા થયા. આ જ કારણસર આજે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સ્થિતિ વધુ ઝડપભેર સુધરી રહી છે. નવા કેસ સામે દર્દીઓના સાજા થવાનો દર બે જણા નજીક પહોંચી ગયો છે.
રવિવારે રાજ્યમાં 8,210 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે ફ્રેશ કેસની સંખ્યા 7,52,619 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 82 મોત થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન 8,210 નવા કેસ નોંધાયા છે જેની સામે લગભગ 2 ગણા નજીક કુલ 14,483 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓ સાજા થઈ ઘેર ભેગા થયા છે. રિકવરી રેટ 84.85 ટકા સુધર્યો છે. રાજ્યમાં સૌથી વધુ નવા કેસ 2,278 અમદાવાદમાં નોંધાયા છે, જે બાદ વડોદરામાં 882, સુરતમાં 705, રાજકોટમાં 535, જુનાગઢમાં 411 કેસ જ્યારે જામનગરમાં 319, ભાવનગરમાં 269 કેસ નોંધાયા છે. ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ…. રાજ્યભરના લોકોમાં જાગૃકતા, સતર્કતાએ કોરોનાને ભગાડવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. તો સાથે સરકાર તેમજ સ્થાનિક તંત્ર અને ડોક્ટર નર્સ સહિતની આરોગ્ય ટિમ અને પોલીસ તંત્રએ પણ મહત્વની કામગીરી અદા કરી છે. જોકે હજુ વાયરસનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આથી નિયમોનું ચુસ્તપણે પાલન તેમજ રસીકરણ અભિયાન જ આવનારી ત્રીજી લહેરમાંથી બચાવશે.
vyo દ્વારા ‘પ્રાણવાયુ’ના 19 પ્લાન્ટ ગુજરાતની જનતાને અર્પણ કરાયા: વ્રજરાજકુમારજી
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સાંપ્રત સ્થિતિ માં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ જે રીતે કોરોના સામે આપણે સૌ લડી રહ્યા છીએ અને મહદંશે આપણે કોરોનાને હરાવ્યો છે આ સ્થિતિમાં વીવાયઓ દ્વારા પણ બનતા પ્રયાસો કરી લોકો કોરોનામાંથી કેમ બહાર આવે તે અંગેની કામગીરી કરવામાં આવી છે જેમાં 19 ઓક્સિજન પ્લાન્ટ ગુજરાતની જનતા માટે આપવામાં આવ્યા છે ખાસ તો લોકોમાં કોરોના નો ડર છે તેને દૂર કરી કોરોના સામે લડવાની જરૂર છે ઘણા લોકો એવા છે કે જેઓએ મોટી ઉંમરે પણ કોરોના ને મહાત આપી છે .કોરોના સામે લડવા માટે દવાઓની સાથે સાથે આત્મવિશ્વાસ પણ એટલો જ જરૂરી છે તો આપણે સૌએ કોરોના નો સામનો કરી તેને મ્હાત આપવાની છે ખાસ તો જેઓને કોરોના નથી થયો તેવા લોકો પૂરતી સાવચેતી રાખે જેથી કોરાનાનું સંક્રમણ ઘટી શકે અંતે અબતક દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી છે તેનાથી લોકોના માનસ પર હકારાત્મક વલણ આવશે. જેથી હું અબતકની આ મુહિમને બિરદાવું છુ.
ગુજરાતની પ્રજા વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધનારી: સાંઇરામ દવે
અબતક સાથેની વાતચીત દરમિયાન કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે અબતક દ્વારા પોઝીટીવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યું, પહેલી લહેરમાં આપણે થોડા બેદરકાર રહ્યા એટલે બીજી લહેરે આપણને હલબલાવી નાખ્યા વિચારજો આપણે માસ્કને દાઢી પર રાખીયું એટલે કોરોનાએ આપણને દાઢ પર રાખ્યા, કેટલાએ નાકની નીચે માસ્કને રાખ્યું એટલે આખી દુનિયામાં આપણુ નાક કપાયું. બીજી લહેરમાં ભાગ્યે જ કોઇ ઘર એવું હશે કે પોતાના મિત્રો કે સ્વજનો ન ગુમાવ્યા હોય. કોઇએ પોતાના મોભી ગુમાવ્યા. કોઇએ પોતાના સ્વજનો ગુમાવ્યા ત્યારે સ્મશાનની આંખમાં આંસુ આવી જાય તે સમયે ગુજરાતે દેશએ નજરો-નજર જોયું છે. પરંતુ ફાટી પડે, હેરાન થઇ જાય રોવા માંડે તે ગુજરાતી પ્રજા છે નહીં આપણે તો મહાકાળનું જડબુ પકડીને ઉભી રહેનારી, લડનારી, વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધનારી પ્રજા છીએ. જી, હા આપણે સેનેટાઈઝનો ઉપયોગ કરીશું. સોશ્યલ ડિસ્ટન્સ રાખીશું કેસો ઓછા થાય એટલે તરતા જ નહીં નીકળી પડી આપણે બધા છેલ્લે સુધી જવાબદારી નિભાવીશું અને ત્રીજી લહેરનો સાવચેતી પૂર્વક સામનો કરી શકીશું. ગુજરાત જાગ્યુ છે. એક-એક વ્યક્તિને કદર થઇ છે કેટલા લોકો શહિદ થયાં છે કે શહિદ શબ્દ એટલા માટે વાપરીશ કે આ એક વિશ્ર્યયુધ્ધ જ છે આપણે હવે બધા જાગીએ અને કોરોનાને હરાવીએ. અબતક દ્વારા શરૂ કરેલા અભિયાનને મારી શુભકામનાઓ છે.
તંત્રના પ્રયાસ અને પ્રજાની સતર્કતાએ સંક્રમણ પર કાબૂ મેળવ્યો: સૌરભ પટેલ(ઉર્જા મંત્રી)
કોરોનાની લડાઈમાં “અબતક”નું જે અભિયાન છે ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’ છે તેમાં સૌએ જોડાવું જોઈએ. રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહેનત અને પ્રજાની સતર્કતાને કારણે આપણે સંક્રમણ પર કાબૂ મેળવી રહ્યા છીએ. અધિકારીઓ ગામડે-ગામડે જઇ કોરોના દર્દીઓને મદદ કરી રહ્યા છે તેમજ સાવચેતી રાખવા સમજણ આપી રહ્યા છે. કોરોના વોરિયર્સ રાતદિવસ હોસ્પિટલમાં કામ કરે છે. બધાના સંયુક્ત પ્રયત્ને બીજી લહેરમાંથી ધીમે ધીમે બહાર આવીએ છીએ પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. બધા જાગૃત રહેશે તો ચોકકસ આપડે કોરોનાને હરાવી શકીશું. સરકારની જે કોઇ સૂચના હોય તેનું આપડે પાલન કરવું જોઈએ. ગામડાઓ સ્વૈચ્છિક બંધ રહ્યા, શહેરોમાં લોકો કામ વગર બહાર નથી નીકળતા જે જાગૃતતાની નિશાની છે. આપણે જોઈ શકીએ છીએ કે, પ્રજા જાગૃત થઈ આગળ આવી રહી છે જેના કારણે બધાને ફાયદો થયો છે. આ અભિયાન ચાલુ જ રાખવું જોઈએ. ’અબતક’ દ્વારા જે અભિયાન શરૂ કરાયું છે તે બધીજ સંસ્થાઓએ અને આખા રાજ્યોમાં સરકાર સહિતનાઓએ આવું અભિયાન શરૂ કરવું જોઈએ. જો આવું થઈ શકે તો ચોકકસથી કોરોનાનો હરાવી શકશું.