• રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂને પ્રચંડ લોક સમર્થન
  • મોંઘવારી, બેરોજગારી, શિક્ષણનું વ્યાપારીકરણ અને કથળતી કાયદો વ્યવસ્થાએ ભાજપના 27 વર્ષના કુશાસનની ભેટ : અશોક ડાંગર
  • ભાજપ સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું
  • રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂના પ્રચારમાં લાગી જતા પક્ષના વરિષ્ઠ નેતા અશોક ડાંગર

ગુજરાતના મતદારો પાસે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની તક આવી છે ત્યારે કોંગ્રેસે ભાજપના 27 વર્ષના કુશાસનની વાસ્તવિકતા પ્રજા સમક્ષ મૂકી છે. ભાજપના અણઘણ વહીવટને કારણે ગુજરાતના હાલ બેહાલ થયા છે તેમ જણાવી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, પૂર્વ મેયર અને વરિષ્ઠ  નેતા અશોકભાઈ ડાંગરે લોકોને કોંગ્રેસને મત આપવાનો અને ગુજરાતનું ગૌરવ પાછું મેળવવાનો અનુરોધ કર્યો છે. અશોક ડાંગર ઈન્દ્રનીલ રાજગુરૂના પ્રચાર માટે ઉત્સાહભેર જોડાઈ ગયા હતા અને લોક સંપર્કમાં પણ તેમની સાથે રહ્યા હતા.

કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અશોક ડાંગર આજથી રાજકોટ પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રનીલ રાજગુરૂના પ્રચારમાં જોડાઈ જતા કાર્યકરોમાં નવું જોમ અને ઉત્સાહ આવી ગયા છે. અશોક ડાંગરે મતદારોને ઈન્દ્રનીલ રાજગુરૂની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.

IMG 20221121 WA0032 1

અશોક ડાંગરે કહ્યું હતું  કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, 135 થી વધુ મોતના મોરબી ઝુલતા પુલકાંડ જેવી બનતી વારંવાર ઘટનાઓને કારણે ગુજરાતના નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં શાંત પાપ જેવું છે, ફરિયાદ જ નોંધાતી નથી એટલે બધું બરાબર છે તેમ દેખાડે છે. કોંગ્રેસની સરકાર ભણાવતી અને નોકરી પણ આપતી હતી. ભાજપના સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી. ભાજપ સરકારે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા 6000 થી વધુ શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.

પૂર્વ મેયર અશોક ડાંગરે કહ્યું હતું કે ગુજરાતમાં અનેક સરકારી હોસ્પિટલો કોંગ્રેસ શાસનમાં બની જ્યારે ભાજપ દ્વારા માત્ર જૂથ સરકારી દવાખાના બનાવાયા આરોગ્ય અને શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું છે શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસાલમતી, મોંઘવારી, બેરોજગારીએ ભાજપના 27 વર્ષના કુશાસનની સિધ્ધી છે. ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, મળતિયા મૂડીપતિઓને પ્રોત્સાહન જેવી  વાસ્તવિકતાને પ્રજાએ ઓળખી લેવાની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલતની શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિત તમામ ક્ષેત્રે અન્ય રાજ્યો કરતા પાછળ ધકેલાયું છે.

IMG 20221121 WA0031

રાજકોટમાં મોરબી રોડ વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરતા પૂર્વ મેયર અશોક ડાંગરે એમ પણ કહ્યું હતું કે 27 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો હોત તો ગુજરાતના 32 ટકા લોકો ગરીબી રેખા હેઠળ ના હોત, છેલ્લા 5-6 વર્ષમાં ગુજરાતમાં 22 જેટલા પેપર લીક થયા, બે દાયકા પહેલા ગુજરાતમાં 2 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર હતા જે આજે વધીને 40 લાખ થયા છે, પૂ.મહાત્મા ગાંધીજીની ભુમી પર ક્રાઇમ રેટ વધી છઠ્ઠા નંબર પર પહોંચ્યો છે, તાજેતરમાં બનેલા મોરબી કાંડમાં બે કરોડના સમારકામને બદલે માત્ર બાર લાખનો ખર્ચ થયાની ભ્રષ્ટાચારની વિગતો સમુહ – માધ્યમોમાં બહાર આવી રહી છે. બીજી બાજુ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં હજુ પણ 92 બ્રિજ ખતરનાક સ્થિતિમાં છે, ભાજપ સરકારે કોરોનાના આંકડાઓ છુપાવ્યા, બેરોજગારી વધાર્યા બાદ હવે ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, જનતા ત્રસ્ત અને ભાજપ સરકાર મસ્તની સ્થિતિમાં ગુજરાતની જનતા પરેશાન થઈ છે અને પરિવર્તન ઝંખી રહી છે.

આ જાહેર સભામાં ઈન્દ્રનીલ રાજગુરૂએ કોંગ્રેસની નીતિઓ અને વચનો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અત્યારે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી આઠમી ડિસેમ્બરે જ્યારે મતગણતરી થશે ત્યારે વિરોધીઓની હવા નીકળી જવાની છે. આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ર્ચિત છે અને ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બની રહી છે. ઈન્દ્રનીલ રાજગુરૂની જાહેરાતને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.