- ઓનલાઈન કોર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે
- ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે
ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી 6 ઓનલાઈન કોર્ષ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક સત્રથી 3 યુજી અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન કોર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જેમાં 30 ટકા ઈન્ટરનલ અને 70 ટકા એક્સટર્નલ પદ્ધતિતી પરીક્ષા લેવાશે.
વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસની સાથે ઓનલાઇન કોર્સ કરી શકશે એટલે કે એકસાથે બે અભ્યાસક્રમમાં પ્રવેશ અને ડિગ્રી પણ મેળવી શકશે. ઓનલાઇન અભ્યાસક્રમ પછી મળેલા સર્ટિફિકેટ કે પ્રમાણપત્રો ગુજરાત યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમોની સમકક્ષ રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં દેશનાં ખૂણે ખૂણેથી ભણવા માટે લોકો આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓ 6 કોર્ષ 100 ટકા ઓનલાઈન ભણી શકે તે માટે પ્રવેશથી લઈ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહી છે. ત્યારે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ ચલાવવા માટે વર્લ્ડ ક્લાસ પોર્ટલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેથી અભ્યાસ કરી શકશે. યુજીની બી.કોમ, બીએ અને બીસીએ અને પીજીની એમ.કોમ, એમએ અને એમસીએના કોર્ષ ભણાવવામાં આવશે. આ તમામ કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા થશે. તેમજ આ તમામ કોર્ષને યુજીસી દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે.
વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે
ઓનલાઈન લેવાનાર પરીક્ષામાં 30 ટકા ઈન્ટરનલ જ્યારે 70 ટકા એક્ષ્ટર્નલ માર્કસ હશે. તેમજ વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે. અને સમયની જરૂરીયાત મુજબ એડ ઓન સર્ટિફિકેટ કોર્ષ પણ કરાવવામાં આવશે. તેમજ યુનિવર્સિટી દ્વારા સારા માર્કસ સાથે પાસ થનારને ગોલ્ડ તેમજ અન્ય તમામ લોકોને ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ડ્યુઅલ કે જોઈન્ટ ડિગ્રી મેળવી શકશે. જે અન્ય અભ્યાસક્રમ સમકક્ષ જ રહેશે.