- રાજ્યભરમાં અત્યાર સુધીમાં 8,100થી વધુ; લાકડા આધારિત‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ: કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા
- સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે 40 થી 50 ટકા લાકડાની બચત
- સહાય યોજનાનો લાભ લેવા સ્મશાન ભઠ્ઠી દીઠ રૂા.1,000 લોકફાળા સ્વરૂપે ચૂકવવાના રહેશે
પર્યાવરણના જતન માટે નવા વૃક્ષો વાવવા અને હાલમાં હયાત વૃક્ષોને બચાવવા રાજ્ય સરકારે ‘એક પેડ મા કે નામ’, ‘નમો વડ વન’, વિવિધ સાંસ્કૃતિક વન તેમજ સામાજિક વનીકરણ સહિતની અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે.
હિન્દુ પરંપરામાં મનુષ્યના મૃત્યુ પછી કરાતા અગ્નિ સંસ્કાર વિધિ માટે મોટી સંખ્યામાં સૂકા લાકડાની જરૂર પડે છે. આ પરંપરા જળવાઇ રહે અને તેની સાથે લાકડાની પણ બચત થાય, વૃક્ષો કપાતા અટકે તેવા અભિગમ- હેતુથી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-GEDA દ્વારા સ્મશાનગૃહોમાં લાકડા આધારીત ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ લગાવવાની સહાય યોજના અમલી બનાવી છે. વૃક્ષો બચાવવાના ઉમદા હેતુથી આ સહાય યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ ગામો-શહેરોમાં અંદાજે 8,100થી વધુ ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ઓ લગાવવામાં આવી છે તેમ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.
કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે યોજનાની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓને સમાવી લેવામાં આવ્યા છે. આ સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે 40 થી 50 ટકા જેટલી બચત સાથે મૃતદેહના દહન સમયમાં પણ ઘટાડો થાય છે. ઊર્જા વિકાસ એજન્સી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર સેવાસદન હસ્તકના સ્મશાન ગૃહોમાં વર્ષ 2015-16થી આ યોજના અમલી છે.
આ યોજનાનો લાભ લેવા માટે રૂ. 1,000/-નો લોક ફાળો ટોકન સ્વરૂપે લેવામાં આવે છે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ સ્મશાન ભઠ્ઠીની નિભાવણી અને જાળવણીની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, અને મહાનગર પાલિકાની રહે છે તેમ,મંત્રીએ ઉમેર્યુ હતું.
કેવી રીતે અરજી કરી શકાય
પોતાના ગામ અથવા શહેરમાં આ સહાય યોજના હેઠળ સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવા માટે અરજીમાં પીન કોડ સાથે ગામ-શહેરનું પુરુ સરનામું, જે સ્થળે સ્મશાન ભઠ્ઠી ગોઠવવાની હોય તેનું સરનામું, ગામના સરપંચ/ જવાબદાર બે વ્યક્તિના નામ અને મોબાઈલ નંબર, લાભાર્થી-લોકફાળા પેટે રૂ. 1,000/-નો ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગરના નામનો, ગાંધીનગર ખાતે ચૂકવવાપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સ્મશાન ભઠ્ઠીની સારસંભાળ/નિભાવણી અને જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકા/મહાનગર પાલિકાની રહેશે, તે અંગેનો બાંહેધરી પત્ર અરજી સાથે સામેલ કરવાનો રહેશે.