ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા દેશના રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટાર્ટઅપ સર્વેક્ષણમાં ગુજરાત અવ્વલ
મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન
વિકાસના નવા લક્ષ્યાંકો પાર પાડવામાં યુવાશકિતના ઇનોવેટીવ્સ આઇડીયાઝ ઉપયુકત બનશે:-મુખ્યમંત્રીશ્રી
ર૦ર૧ સુધીમાં ર૦૦૦ સ્ટાર્ટઅપને ૭ હજાર કરોડની સહાય સાથે ગુજરાતના યુવાનોના શકિત-સામર્થ્યની નિખાર આપવાની નેમ વ્યકત કરતા શ્રી વિજયભાઇ રૂપાણી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ઓન ફાસ્ટટ્રેકની ગૌરવ ગાથામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસીઝ એન્ડ પ્રમોશન દ્વારા સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ગુજરાતે ૧૦૦ ટકા ગુણાંક સાથે દેશભરમાં ટોપ સ્થાન મેળવ્યું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં હાલ ૧૯૬ સ્ટાર્ટઅપને સસ્ટેનન્સ એલાઉન્સ, પ્રોડકટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ અને માર્કેટીંગ આસિસ્ટન્સની સહાય-ઇન્સ્ટેટીવ્ઝ આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, સ્ટાર્ટઅપને સર્પોટ માટે ૩૪ જેટલી નોડલ ઇન્સ્ટીયૂટ પણ રાજ્યમાં નિર્દેશીત કરવામાં આવેલા છે. ગુજરાતમાં જાહેર જનહિત – કાર્યવાહી માટે સ્ટાર્ટઅપને પસંદગી પણ આપવાનો હેતુ રાખવામાં આવેલો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ ગૌરવ સિધ્ધિ માટે સ્ટાર્ટઅપને અભિનંદન પાઠવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના વિકાસ લક્ષ્યાંકો પાર પાડવામાં યુવાશકિતના નવિન ટેકનોલોજીના સહારે ઇનોવેટીવ્ઝ આઇડીયાઝ એન્ડ થિંકીંગ ઉપયુકત બન્યા છે.
તેમણે ઉમેર્યુ કે ર૦ર૧ સુધીમાં ૭ હજાર કરોડના ખર્ચ સાથે ર હજાર સ્ટાર્ટઅપને સપોર્ટ આપવાની નેમ છે.
ભારત સરકારના મંત્રાલયે રાજ્યમાં હેલ્ધી ઇકોસિસ્ટમના પાયારૂપ ઇનીશ્યેટીવ્ઝ ક્ષેત્રે નવિનત્તમ પહેલનું જે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ અને રેન્કીંગ કર્યુ તેમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે.
આ સર્વેક્ષણનો હેતુ રાજ્યો વચ્ચે સ્ટાર્ટઅપ પ્રમોશન માટે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ કરવાનો છે.ગુજરાતની અતિ ઝડપે વિકસી રહેલા રાજ્ય તરીકેની છબિ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે સ્ટાર્ટઅપને પ્રેરિત કરવાની પ્રતિબધ્ધતાનો આ રેન્કીંગમાં પડઘો પડયો છે.
આ સર્વેક્ષણ અનુસાર ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ માટે ઇન્કયુબેશન સપોર્ટ, સીડ ફન્ડીંગ સપોર્ટ, નિયમોના સરળીકરણ અને જાહેર હિત-કાર્યવાહીમાં સ્ટાર્ટઅપના માધ્યમથી સરળીકરણની નવિનત્તમ પહેલ માટેના પેરામીર્ટસમાં અગ્રતા મેળવી છે.
આ વર્ષની શરૂઆતમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટના ગુજરાતમાં થયેલા સફળ આયોજનને પગલે ગુજરાતે સ્ટાર્ટઅપ માટેની અવેરનેસ અને આઉટ રીચ પેરામીટર્સમાં પણ અવ્વલ સ્થાન મેળવેલું છે.
ઊદ્યોગ અગ્રસચિવ શ્રી મનોજકુમાર દાસે ગુજરાતની આ સિધ્ધિને બિરદાવતાં જણાવ્યું કે રાષ્ટ્ર-રાજ્યના ઝડપી-અપ્રતિમ વિકાસ માટે ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને બળ આપવા પ્રતિબધ્ધ છે.
ગુજરાતે મેળવેલી આ સિધ્ધિનો યશ તેમણે રાજ્ય સરકારની પ્રોએકટીવ-કન્ડયુસિવ પોલીસીઝને આપતાં કહ્યું કે, આ ગૌરવ સિધ્ધિથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગવંતી બનાવવાનું પ્રોત્સાહન યુવા સ્ટાર્ટઅપને મળ્યું છે.
આગામી વાયબ્રન્ટ સમિટમાં ઇનોવેશન, એન્ટરપ્રેનીયોરશીપ અને યુથને ફોકસ કરવાના રાજ્ય સરકારના ધ્યેયમાં આ ટોપ રેન્કીંગ નવી ઊંચાઇઓ સર કરાવશે તેવો વિશ્વાસ પણ આ ગૌરવ સિધ્ધિએ અપાવ્યો છે.