2018માં ઉદ્યોગોમાં સોલાર રૂફટોપનો વપરાશ 39. 27 મેગા વોટ હતો જે 2023 માં વધીને 517. 67 મેગાવોટ થઈ ગયો : સરકારના પ્રોત્સાહનને પગલે એમએસએમઇ પણ મોટા પ્રમાણમાં સૌર ઊર્જા તરફ વળ્યા
સૌર ઉર્જામાં ગુજરાત અવ્વલ રહ્યું છે. કારણકે ઉદ્યોગોમાં સોલાર રૂફટોપનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ ઉપયોગ 13 ગણો વધ્યો છે. 2018માં ઉદ્યોગોમાં સોલાર રૂફટોપનો વપરાશ 39. 27 મેગા વોટ હતો જે 2023 માં વધીને 517. 67 મેગાવોટ થઈ ગયો છે. ઉપરાંત સરકારના પ્રોત્સાહનને પગલે એમએસએમઇ પણ મોટા પ્રમાણમાં સૌર ઊર્જા તરફ વળ્યા છે.
ગુજરાત સરકારની સરળ નીતિઓ, પ્રોત્સાહનો, ખર્ચમાં બચત અને વિપુલ પ્રમાણમાં સૌર સંસાધનો એ ગુજરાતમાં આ ક્ષેત્રમાં રોકાણને સક્ષમ બનાવતા મુખ્ય પરિબળો છે. રાજ્યમાં કાપડ, રસાયણો અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગો દ્વારા સૌર ઊર્જાના ઉપયોગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરમાં સ્પિનિંગ મિલ ચલાવતી ઓમેક્સ કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડ એ 3.4 મેગાવોટની સૌર ક્ષમતા સાથે પવન અને સૌર ઉર્જા ઉત્પાદન હાઇબ્રિડ પ્રોજેક્ટ સ્થાપ્યો છે. અમારો વાર્ષિક વીજળીનો વપરાશ લગભગ 4. 50 કરોડ યુનિટ છે. અમે માર્ચના અંતમાં સૌર ઉર્જાનું ઉત્પાદન શરૂ કર્યું અને તેના દ્વારા 50 લાખ યુનિટ મેળવવાની આશા રાખીએ છીએ. અમે સોલાર પાવરમાં રૂ. 16. 50 કરોડનું રોકાણ કર્યું છે અને અન્ય 8 મેગાવોટ સોલર યુનિટ સ્થાપવાની પ્રક્રિયામાં છીએ. આનાથી અમને અમારા વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળશે, તેમ કંપનીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડેટા અનુસાર, ઉદ્યોગ દ્વારા સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણો વધારો થયો છે, જે 2018માં 39. 27 મેગાવોટથી વધીને 2023 માં 517. 67 મેગાવોટ થઈ ગયો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતે રેકોર્ડ-નીચા સોલાર ક્ષમતા ખર્ચ પર પહોંચી ગયું છે, જે ઉદ્યોગો માટે સૌર ઊર્જાને સક્ષમ બનાવે છે. સહેલાઈથી ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ બીજું પાસું છે જે આ સંદર્ભમાં ઉદ્યોગને મદદ કરે છે. “ગુજરાત તેની હાલની ગ્રીડમાં સૌર ઊર્જાને એકીકૃત કરવામાં પ્રારંભિક મૂવર્સ પૈકીનું એક હતું. નેટ મીટરિંગ નીતિઓ એકમોને વધારાની સૌર ઊર્જાને ગ્રીડમાં પાછા વેચવાની, તેમના વીજળીના બિલને સરભર કરવા અને ખર્ચ ઘટાડવાની મંજૂરી આપે છે, ”ઉદ્યોગના એક સ્ત્રોતે જણાવ્યું હતું.
એમએસએમઇ સૌર ઉર્જાથી થઇ રહેલી બચતને કારણે હરીફાઈમાં કાંઠું કાઢી રહી છે
કોવિડ રોગચાળો શરૂ થયો ત્યારથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. “સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન એ ઉદ્યોગો માટે જરૂરી સહાયતા બની છે, ખાસ કરીને એમએસએમઇ સેક્ટરે આમાં ઘણો રસ લીધો છે. ઘણા એમએસએમઇ માટે પાવર ખર્ચમાં 70% કે તેથી વધુનો ઘટાડો થયો છે. આમ સૌર ઉર્જાથી થઈ રહેલી બચતને કારણે એમએસએમઇ તીવ્ર હરીફાઈમાં કાઠું કાઢી રહી છે.
કાપડ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા અનેક ઉદ્યોગ સૌર ઊર્જા તરફ વળ્યા
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્ટેન્ડઅલોન સોલાર પાવર પ્લાન્ટ્સ અને રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સહિત અનેક મોટા પાયે સૌર સ્થાપનોની સ્થાપના થઈ છે. કાપડ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉદ્યોગોએ વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા માટે સૌર ઊર્જા અપનાવી છે.એવા સમયે જ્યારે ઔદ્યોગિક એકમો કાચા માલના ભાવો સાથે તમામ ક્ષેત્રોમાં મોંઘવારીથી પીડાય છે, સૌર અપનાવવાથી વીજ ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે.