મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારનું ટેકનોલોજીકલ ક્રાંતી તરફ મોટુ પગલું
રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે સેમિક્ધડક્ટર પોલિસી કરી જાહેર : 2027 સુધીમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની નેમ
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ટેકનોલોજીકલ ક્રાન્તિ તરફ મોટુ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે સેમિક્ધડક્ટર પોલિસી જાહેર કરી છે. જેમાં ધોલેરામાં સેમિકોન સિટી વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2027 સુધીમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની નેમ વ્યક્ત કરાઈ છે.ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસીની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવશ વિજય નેહરાની ઉપસ્થિતિમાં કરી છે.સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડીકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેમિક્ધડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા ઈન્ડિયા સેમિક્ધડક્ટર મિશનની કરેલી સ્થાપનામાં સેમિક્ધડક્ટર પોલિસીની જાહેરાતથી ગુજરાતે તેમાં સુર પુરાવ્યો છે.
આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું માનવાના આવી રહ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિક્ધડક્ટર ચીપઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતી ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી છે.
આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની નેમ વ્યક્ત કરવામાં આવી છે. સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એક નવું સેમિકોન સિટી વિકસાવાશે.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલયના ઈન્ડિયા સેમિક્ધડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિઝાઈન ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાષ્ટ્રીય હબ તરીકે ઉભરી શકે તે માટે વાઈબ્રન્ટ સેમિક્ધડક્ટર, ડિસ્પ્લે અને ડિઝાઈન અને ઈનોવેશન ઈકોસિસ્ટમ રચવા માટે રાજ્ય પ્રયત્નશીલ છે.
કેન્દ્ર દ્વારા અપાતી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય આપશે રાજ્ય સરકાર
ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયહેઠળ ઈન્ડિયા સેમિક્ધડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
200 એકર જમીન ખરીદી ઉપર 75 ટકા, બાદમાં વધારાની જમીન ઉપર 50 ટકાની સબસીડી મળશે
આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન ખાતે ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા આઈએસએમ હેઠળ મંજૂર થયેલ અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન પર 50% સબસિડી અપાશે.
પ્રોજેક્ટને રૂ. 12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી અપાશે
આ પોલીસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા 12પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે 10 ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે.