યુનિવર્સિટીને નેક દ્વારા એ+ ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળવાપાત્ર થશે
તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ(નેક)ની ટીમ જીટીયુ ખાતે 3 દિવસીય ઈન્સ્પેક્શન માટે પ્રથમ વખત આવી હતી. તમામ પ્રકારના ક્રાઈટેરીયાની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આજરોજ નેક તરફથી જીટીયુને અ+ ગ્રેડ ફાળવવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડો. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા , રીસર્ચ અને ઈનોવેશન સહિત ઈન્ફાસ્ટ્રક્ચર , સ્ટુડન્ટ સપોર્ટ અને તમામ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલીના ફળ સ્વરૂપે જીટીયુએ અ+ ગ્રેડ મેળવ્યો છે. જીટીયુના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે સેવેલું નેક એક્રિડિટેશનનું સ્વપ્ન અ+ ગ્રેડ સાથે સાકાર થયેલ છે. જેમાં તેઓનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે.
જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર અને ઈન્ટર્નલ ક્વાલિટી એસ્યોરન્સ સેલના હેડ પ્રો. ડો. એસ. ડી. પંચાલે આઈક્યુએસસી કો-ઓર્ડિનેટર્સ પ્રો. ડો. કૌશલ ભટ્ટ સહિત જીટીયુના તમામ સ્ટાફને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.શ્રેષ્ઠ ટીચીંગ અને લર્નિગ સિસ્ટમ , ઈમર્જિંગ ક્ષેત્રના એડવાન્સ અભ્યાસક્રમ ,ઉત્તમ પરીક્ષા પદ્ધતિ, સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ , એન્જિનિયરીંગ , ફાર્મસી, બાયોટેક્નોલોજી ,મેનેજમેન્ટ સહિત તમામ વિદ્યાશાખાની હાઈટેક લેબોરેટરીઝ વગેરે બાબતે નેક ટીમના સભ્યો પ્રભાવિત થયાં હતાં. જેના પરિણામ સ્વરૂપે પ્રથમ વખતે જ નેક એક્રિડિટેશનની દરખાસ્તમાં જ જીટીયુએ અ+ ગ્રેડ મેળવ્યો છે.
આ ઉપરાંત જીટીયુ ખાતે ચલાવવામાં આવતી દરેક પીજી સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ અને ઈન્ટરનેશનલાઈઝેશન માટેની વિવિધ પ્રવૃતિઓ, ઈનોવેટીવ એક્ટિવિટીઝ , રીસર્ચ , ઈનોવેશન અને સ્ટાર્ટઅપને વેગ આપવા માટે જીટીયુ દ્વારા સ્થાપવામાં આવેલ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ. વિદ્યાર્થીઓ , રિસચર્સ અને સ્ટાર્ટઅપકર્તા માટે લાગું કરવામાં આવેલ તમામ પ્રકારની રિસર્ચ પોલિસી , આસિટી બેઝ્ડ અદ્યતન ડિજીટલ ક્લાસરૂમ સહિત ઉત્તમ ઈન્ફાસ્ટ્રક્ચરની પણ નેક ટીમ દ્વારા નોંધ લેવામાં આવી હતી. યુનિવર્સિટીને નેક દ્વારા અ+ ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળવાપાત્ર થશે.