‘ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત’ વિષયને આવરી લેતી ઝાંખી રજૂ કરાશે
ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા.26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત “ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે દેશ અને દુનિયાને પુન: પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે.ગુજરાતે વર્ષ-2009માં “ક્લાઈમેટ ચેન્જ” એક અલાયદો વિભાગ બનાવીને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત : પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે. ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે.
બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ ક્ધયાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ ! જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે. તે મોઢેરા ગામ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ મારફતે દેશનું સૌ પ્રથમ 24 કલાક સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે.
તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌર ઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.આ સાથે PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે.
આ ઉપરાંત, કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંકીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ સુશ્રી અવંતિકાસિંઘ ઔલખ, માહિતી નિયામક આર.કે.મહેતા, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહયા છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા કરી રહયા છે.