કચ્છનાં કપાળે કલંકભીનું ડ્રગ કૌભાંડ એ એની પ્રતીતિ કરાવે છે!
પાકિસ્તાનની બોટમાં જખૌ પહોચેલો કરોડોનાં ડ્રગનો જંગી જથ્થો ભેદી બન્યો ! એની હેરાફેરીમાં કોના હાથ ? જાસૂસી તંત્ર સામે જબરો પડકાર !
આદિ કવિઓમાંનાં એક કવિ નર્મદની જાણીતી કવિતા છે: જય જય ગરવી ગુજરાત… દીપે અરૂણું પ્રભાત… જય જય ગરવી ગુજરાત…
દ્વારિકાધીશ અને સોમનાથ મહાદેવના તથા અંબા માતાનાં આ ભૂમિ પર પતીત પાવન દિવ્યોત્તમ બેસણાં છે. આવું ગુજરાત એક સમયે સૂવર્ણે મઢયું હોય એવું હતુ. હમણા સુધી એવું જ હતુ, અને, જાણે હજુ સુધી હોવાનો આભાસ થતો રહ્યો છે ! પરંતુ મતિભ્રષ્ટતાના કુઠારાઘાત એને કંચનમાંથી કથીર બનાવી દઈ શકે એ ભૂલવા જેવું નથી.
આજનું ગુજરાત સુવર્ણે મઢેલા ગુજરાતનો ચળકાટ ખોઈ બેઠું હોવાની ટકોર ગરીબપ્રજા કરે જ છે કેટલાક ધનવાનો પણ આવો ઉકળાટ વ્યકત કરતા દેખાય છે!
ગુજરાતની ભૂમિ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ છે. નરસિંહ મહેતાની ભકિતભીની ભૂમિ પણ ગુજરાત અને દયાનંદ સરસ્વતી પણ અહીંના મેવાડના મીરાબાઈએ તેમની ભજનલીલા અહી કરી અને દ્વારિકાધીશમાં વિલીન થયા તે ભૂમિ… જલારામબાપા અહીનાં જ ! ગિરનાર અહીં ભકિતભીની પવિત્રતા અને એકએકથી ચઢે એવી શુધ્ધ સરિતાઓ અહીં… વિશ્ર્વ વિખ્યાત હરિમંદિરો એને વેદિક સંસ્કૃતિનો ઉજાસ પણ અહીં ‘ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત’ના જયઘોષ અહીં…
આવું સોના વડે મઢયુંં હોય એવું ગુજરાત ક્રમે ક્રમે કથીરનું હોય એવું બનતું રહ્યું છે, એની પ્રતીતિ કરાવતી હીન ઘટનાઓ આ ભૂમિ પર બની રહી છે. કલાકો પહેલા બનેલી કચ્છના જખૌમાં બનેલી એક ઘટનાનો અહેવાલ દર્શાવે છે કે પાકિસ્તાન સરહદે જોડતી કચ્છની જ દરિયાઈ સીમામાંથી એક પાકિસ્તાની બોટમાંથી ૧૮૦ કરોડનું પ્રતિબંધીત ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાનીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી છે. ગુજરાત એટીએસ ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં કરોડોના પ્રતિબંધીત ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાની ડ્રગ માફીયાઓને ઝડપી લઈ તપાસનીશ એજન્સીઓએ ઉંડી પૂછપરછ હાથ ધરી છે.
કચ્છથી કરાચી દૂર નથી. પાકિસ્તાનની હદ દૂર નથી. પાકિસ્તાનની બોટ દ્વારા જ આ આટલો મોટો જથ્થામાં ડ્રગ ભારતમાં ઘૂસાડવામાં આવ્યો અને છેક જખૌ સુધી પહોચાડાયો એ બાબત આપણા જાસૂસી કે ગુપ્તચર તંત્રની કમજોરી ખૂલ્લી કરે છે. જખૌમાં એને ઝડપી લેવાયો એ શુભ ચિહન છે, તો પણ ખૂદ પાકિસ્તાનની હદમાં જ એને પકડી લઈ શકાયો નહિ એ જાસૂસી ખાતાની કમજોરી નહિ તો બીજુ શું છે?…
વળી ડ્રગનો આટલો મોટો જથ્થો એકત્ર કરી લેવાયો અને તેને પાકિસ્તાનની હોડીમાં ગોઠવી દઈને કચ્છના જખૌ સુધી પહોચાડી દેવાયો એટલુ સાહસ પણ શું ઘણું બધું ન લેખાય ? વળી જેમણે આટલું મોટુ કૌભાંડ રચ્યુંએ કૌભાંડકારો કોણ હતા, એમનો અડ્ડો કયા સ્થાને છે, ડ્રગ કયાંથી લાવવામાં આવે છે ? એની હેરાફેરી કોના દ્વારા થાય છે? એની ખરીદી વેચાણ કરાવનાર કોણ છે? એને લગતી નાણાંકીય ગોઠવણો કોણ કરે છે, કચ્છમાં એનું કેન્દ્ર કયાં છે? આ કૌભાંડ ભારત-પાકિસ્તાન વચ્ચે જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરનું છે, એ બધુ ઉંડી તપાસનો વિષય બને છે !
એક એવો સવાલ પણ ઉઠે છે કે, આ કૌભાંડ આચરનારાઓ આતંકીઓની ટોળીના છે કે નહિ એ તપાસવું પણ મહત્વનું છે. એમના અડ્ડા કચ્છ વિસ્તાર સુધી સીમિત છે કે ભારતના અન્ય વિસ્તારોમાં પણ છે એને લગતી તપાસ પણ મહત્વની બને તેમ છે. આ ઘટનાની ભીતરમાં ઘણા બધાં ભેદભરમ હોઈ શકે છે.
ગુજરાતને સુવર્ણમાંથી કથીર જેવું બનાવી દેવાની આવી ઘણી બધી ગેર પ્રવૃત્તિઓ અહી થઈ રહી છે.
આ અંગે સમયસર તપાસ ન થાય અને એને વકરવા દેવાય તો માઠા પરિણામો આવી શકે છે.
ખાસ કરીને ‘કચ્છ’ને અને તેની પ્રજાને વધુ સાવધાન કરવા પડે તેમ છે. સત્તાધીશો એલર્ટ રહે અને પ્રજાને એલર્ટ રહેવા પ્રેરે, એ અનિવાર્ય બની રહેશે ?