• અમદાવાદમાં 1 લી મેથી ગુજરાત સુપર લીગની ફૂટબોલ ટુર્નામેન્ટનો થશે પ્રારંભ
  • રાજયના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને ફૂટબોલમાં કેરિયર  બનાવવાની તક મળશે

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) પ્રમુખ   પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ  લીગ તરીકે ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.) એક મહત્વપૂર્ણ પડાવ છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજૂરી આપી દીધી છે.

આ સુપર લીગમાં છ ટીમો એક બીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે; અને ફાઇનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડશે.

આ લીગમાં ટીમ ઓનર તરીકે   લોયલ ઇક્વિપમેન્ટ લિમિટેડના  અલ્પેશ પટેલ   કે ઍન્ડ ડી કોમ્યુનિકેશનના   કમલેશ ગોહિલ,   રત્નમણી મેટલ્સ ઍન્ડ ટ્યુબ્સ લિમિટેડના   પ્રશાંત સંઘવી,   વીવા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડના  સાહિલ પટેલ,  ટ્રુવેલ્યુ ગ્રુપના  મનીષ પટેલ અને  સુહૃદ પટેલ તથા (દશ) અક્ષિતા કોટન લિમિટેડના  કુશલ એન. પટેલ એ તૈયારી દર્શાવી છે.

લીગનો ઉદ્દેશ્ય ફૂટબોલ ખેલાડીઓને નાણાંકીય રીતે સહાયભૂત થવાનો પણ છે.

જી.એસ.એફ.એ. રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સીનિયર મેન ફૂટબોલ ટુર્નામેન્ટ અને જી.એસ.એફ.એ. સીનિયર કલબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનમાં ઝળકેલા ખેલાડીઓમાંથી બન્ને ટુર્નામેન્ટોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા 84 ખેલાડીઓ સહિત સબસ્ટિટ્યુટ ખેલાડીઓ આ છ ટીમો માટે પસંદ કરાશે. વધુમાં, છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં રમાયેલી 77 મી સંતોષ ટ્રોફીમાં જે બાર ટીમો રમી હતી તેમાંના 36 ગુજરાત બહારના ખેલાડીઓનો પણ આ ટીમોમાં સમાવેશ થશે. આમ લીગમાં રાજ્યના તથા રાષ્ટ્રના પ્રતિભાવન ખેલાડીઓ જી.એસ.એફ.એ.ને વધુ ઊંડાણ અને વૈવિધ્ય પ્રદાન કરશે. આ સુપર લીગ માટે તમામ હેડ કોચ તરીકે એ.એફ.સી. ‘એ’ સર્ટિફિકેટ ધરાવતા ગુજરાતના કોચ રહેશે અને ટેકનીકલ સ્ટાફ પણ ગુજરાતમાંથી જ રહેશે. આમ, ગુજરાતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય આ સુપર લીગ પાછળ રહેલો છે.

સ્થાનિક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓને અનુભવી અને ઘડાયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળે તેવી રીતે ટીમો તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ગુજરાત સુપર લીગની મેચો તા. 01-05-2024 થી તા. 12-05-2024 સુધી ફીફા પ્રમાણિત ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદમાં રમાડવામાં આવશે, જ્યાં ખેલાડીઓ તેમજ દર્શકો બન્ને રમતનો આનંદ માણી શકે તેમ છે.

ગુજરાત સુપર લીગ આ પહેલ સાથે રાજ્યમાં ફૂટબોલને પુન:પરિભાષિત કરશે અને નવી પેઢીના રમતવીરોને ભવ્ય ભાવિ તરફ ધપવાની પ્રેરણા આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.