બાળ અધિકારો અને બાળક માટે હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબહેન ગજ્જર
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આજરોજ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આયોગે વિવિધ શાળા-સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આયોગે નિર્માણાધીન ઈણાજ, કલેક્ટર કચેરી પાસે નિર્માણાધીન સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ દિનેશ કાપડિયા સહિતના આયોગના સભ્યોએ બાળ અધિકાર સુરક્ષા અંગે જિલ્લામાં થયેલી કામગીરી અને તે માટે ઉપયુક્ત સૂચનો માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
અધ્યક્ષએ જિલ્લામાં બાળ સંરક્ષણ માટે થયેલા વિવિધ પ્રયત્નો વિશેની જાણકારી મેળવી રાજ્ય સરકાર માટે દરેક બાળક મહત્વનું છે, તેમ જણાવી દરેક બાળકની પૂરતી કાળજી રાખવામાં આવે તે માટે લેવાપાત્ર પગલાઓની વિશદ્ જરૂરિયાત આ અવસરે વર્ણવી હતી. તેમણે બાળકોના ઉછેર, શિક્ષણ, પોષણ પર વિશેષ ભાર મૂકી અને બાળ અધિકારો અને બાળક માટે હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં.
અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે અને આયોગ આ દિશામાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં બાળકો માટે સર્વશ્રેષ્ઠ કામ થાય તેમજ બાળકોને લગતી કોઈપણ ઘટના બને તો તરત જ પ્રતિભાવ આપી અને બાળકોને અન્યાય ન થાય તે માટેના પ્રયત્નો કરવા માટે વિવિધ વિભાગોને માર્ગદર્શિત કર્યાં હતાં.
આયોગના સચિવ દિનેશ કાપડિયાએ 18 વર્ષ સુધીના બાળકોને સાંકળતા બાળમજૂરી, શોષણ, બાળ તસ્કરી આ પ્રકારની ઘટનાઓ કે જેમાં બાળકો સામેલ હોય તેને રોકવા અને આવી ઘટનાઓ ન બને તે માટે જનજાગૃતિ અભિયાન, કાયદાકિય માર્ગદર્શન અને સરકારની નીતિઓના સ્પષ્ટ અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આયોગે જિલ્લામાં થયેલ પુનઃવસન કરેલા બાળકો, શાળામાં બાળકોનું યોગ્ય મોનિટરિંગ, બાળકોને મોડેલ સ્કૂલમાં પ્રવેશ બાબત, આંગણવાડીને અનુલક્ષીને કુપોષિત બાળક, અતિ કુપોષિત બાળકો, સરકારી-ખાનગી આંગણવાડી કેન્દ્રની જાણકારી, સ્પેશ્યિલ જુવેનાઈલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સો, બાળલગ્ન, બાળમજૂરી, ભિક્ષાવૃત્તી, બાળ તસ્કરી તેમજ પાલક માતાપિતા સહિતની યોજનાઓ વિશે સંબંધિત વિભાગ પાસેની આનુષાંગિક વિગતો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મેળવી હતી.
આયોગ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે, કારખાનાઓ, મંદિર, ફિશરીઝ એકમો, ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઈટ પર સ્થળતપાસ કરી અને બાળમજૂરી અંગે સઘન તપાસ હાથ ધરી બાળમજૂરી, બાળલગ્ન વગેરે બાબતો અટકે તે માટે વિજીલન્ટ રીતે કાર્ય કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં બાળકોને આરોગ્યલક્ષી તપાસ કરી અને કૃમિનાશક અભિયાન માટેના પ્રયત્નોને વેગવાન બનાવવા તેમજ ગાયનેકોલોજીસ્ટ તેમજ રેડિયોલોજીસ્ટના નિયમોનુસાર રજિસ્ટ્રેશન, બાળકોની સારવાર માટેની સગવડો વધે એ દિશામાં પ્રયત્ન હાથ ધરવા ચર્ચા કરવામાં આવી હતી.
આયોગે વિવિધ શાળા-સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને બાળકોને લગતી વ્યવસ્થા, રમતગમત-મનોરંજન તેમજ અભ્યાસ સંબંધિત સુવિધા, અભ્યાસના સ્થળે બાળકોને આપવામાં આવતા આહાર, આંગણવાડીમાં આવતા લાભાર્થીઓને મળતી સરકારની વિવિધ યોજનાના લાભ, ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝમાં આશ્રીત બાળકોના રહેવાની તેમજ આહાર અને સ્વચ્છતા અંગે મૂલ્યાંકન કર્યું હતું.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકા પરમારે બેઠકની વિગતો આપી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી જિલ્લામાં થયેલી બાળ અધિકાર અંગેની સમજૂતી આયોગને આપી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય અમૃતાબહેન અખિયા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી બી.એન.વ્યાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારસૂર, સમાજ કલ્યાણ અધિકારી સૈયદ વસીમ, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર હીરાબહેન રાજશાખા, એપિડેમિક મેડિકલ ઓફિસર ગૌસ્વામી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા