- ST નિગમે છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. 1,036 કરોડથી વધુની આવક મેળવી
સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત ST નિગમ પ્રથમ ક્રમે છે.
ગુજરાતના નાગરિકોને સ્વચ્છ, સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2010 થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી. ઓનલાઈન ટિકિટો સહિત નાગરીકોને મુસાફરી માટે અપાતી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં થઇ રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બૂક કરીને એસ.ટી નિગમને કુલ રૂ. 1,036 કરોડથી વધુની આવક કરાવી છે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ST નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને વર્ષ–2010 થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ -2011 થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો Abhibus, પેટીએમ જેવી એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન એસ.ટી બસની ટિકિટ બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ- મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.
ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કર્યા પછી ST નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓ વધારો કર્યો છે, જેમાં વર્ષ-૨૦૧૫થી એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન (GSRTC Official) લોન્ચ કરવામાં આવી હતી. મુસાફરો મોબાઈલ- વેબ એપ્લિકેશન www.gsrtc.in મારફતે બૂક કરાયેલી ટિકિટોનું રિશિડ્યુલ- કેન્સલેશન તેમજ PNR સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે, આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને તેમની મુસાફરીની ટિકિટ 60 દિવસ અગાઉ બૂક કરાવી શકશે અને જો મુસાફરીમાં જો કોઈ ફેરફાર થાય તે સમય ટિકિટની રિશિડ્યુલની સુવિધા વિનામૂલ્યે મુસાફરોને નિગમ દ્વારા આપવામાં આવે છે, જે સ્થળે નિગમનું બસ સ્ટેન્ડ કે બુકિંગ કાઉન્ટર ન હોય તેવા સ્થળે મુસાફરો બુકિંગનો લાભ લઇ શકે તે માટે નિગમ દ્વારા બુકિંગ એન્જસી આપવામાં આવી છે, જેમાં નિગમ ખાતે 205 બુકિંગ એજન્ટ કાર્યરત છે. તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.